નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર 2026: ભારતની સુરક્ષાને પ્રાથમિકતાઓને લઈને અમેરિકા ગંભીર નહીં હોવાને કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં અડચણ આવી રહી હોવાનો ચોંકાવનારો દાવો વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે કર્યો હતો. તેમણે પરોક્ષ રીતે પાકિસ્તાનને સીમાપાર આતંકવાદને લઈને જવાબદાર ઠરાવીને અમેરિકા દ્વારા પાકિસ્તાન સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાના મામલે નારાજગી વ્યક્ત કરી હતી.
ભારતના વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર હાવ અમેરિકાના પ્રવાસે છે જ્યાં તેમણે ન્યૂયોર્ક સ્થિત એશિયા સોસાયટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધમાં હજુ કેમ અંતર દેખાઈ રહ્યું છે. જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વ્યાપારિક જટિતાઓની સાથે આતંકવાદ મુદ્દે બંને દેશ વચ્ચે જટિલતા જોવા મળી રહી છે. પાકિસ્તાનનું નામ લીધા વિના જ વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનો પડોશી દેશ આતંકવાદને હથિયારની જેમ ઉપયોગ કરી રહ્યો છે તેનો આતંકવાદ સાથે વર્ષો જુનો સંબંધ છે.
-
ભારત માટે સુરક્ષા સૌ પ્રથમ: વિદેશ મંત્રી
વિદેશ મંત્રીએ ગંભીરતા સાથે જણાવ્યું હતું કે, ભારત માટે સુરક્ષા સૌ પ્રથમ છે. અમારા માટે કોઈ વસ્તુ મહત્વની હોય પરંતુ સહયોગી દેશ અમારી ચિંતા પ્રત્યે ગંભીર ના હોય તો સમસ્યા ઉભી થઈ શકે અને સંબંધ ઉપર પણ અસર પડે છે. અમારા સહયોગીઓ અમારી ચિંતાઓ નથી સમજતા તો ચોક્કસ તેની અસર સંબંધ ઉપર પડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત લાંબા સમયથી પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદ મુદ્દે વિવિધ વૈશ્વિક મંચો ઉપર દુનિયાનું ધ્યાન દોરે છે. તેમ છતા પાકિસ્તાન સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલું જ નહીં ટ્રમ્પ સરકાર પણ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને જવાબદાર ઠરાવવાનું ટાળી રહ્યાં છે.
ટ્રમ્પ સરકાર દ્વારા જે રીતે પોતાના સહયોગી દેશો સામે આક્રમત વેપાર નીતિ અપનાવી છે જેના પરિણામે પણ ભારત અને અમેરિકાના સંબંધો ઉપર અસર પડી છે. રશિયા પાસેથી ઓઈલ ખરીદનાર દેશો સામે 100 ટકા ટેરિફ નાખવાની અમેરિકા તૈયારીઓ કરી રહ્યું છે તેને લઈને પણ ભારતે નારાજગી વ્યક્ત કરી છે. ડો.જયશંકરે તાજેતરમાં જ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે ટેરિફ મુદ્દે પણ ચર્ચા થઈ હતી.


