નવી દિલ્હી, 5 મે 2026: Bilateral meeting held with Jamaican ministers હાલમાં જમૈકાની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી (EAM) એસ. જયશંકરે કિંગ્સ્ટનમાં કેરેબિયન રાષ્ટ્રના મંત્રીઓ અને વ્યાપારી નેતાઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી, જેમાં વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જમૈકાના પ્રધાનમંત્રી એન્ડ્રુ હોલનેસ સાથે મુલાકાત કરી હતી અને આર્થિક તથા લોકો વચ્ચેનાસહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરતી બેઠક યોજી હતી.
વિદેશ મંત્રીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “કિંગ્સ્ટનમાં પ્રધાનમંત્રી એન્ડ્રુ હોલનેસની મુલાકાત લઈને આનંદ થયો. અમારા રાજકીય, આર્થિક અને લોકો વચ્ચેના સહયોગને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી. ભારત-જમૈકા સંબંધોને વધુ મજબૂત કરવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની હું પ્રશંસા કરું છું.”
તેમણે જમૈકાના પ્રધાનમંત્રી હોલનેસ, સ્વાસ્થ્ય મંત્રી ક્રિસ ટફ્ટન અને વિદેશ મંત્રી કામિના જે. સ્મિથની હાજરીમાં ભારત તરફથી જમૈકાને ભેટ તરીકે 10 ભીષ્મ (BHISHM) ક્યુબ્સ ઔપચારિક રીતે અર્પણ કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, “ભીષ્મ ક્યુબ મોબાઈલ હોસ્પિટલ સિસ્ટમ, જે ઝડપી તૈનાતી માટે તૈયાર કરવામાં આવી છે તે જમૈકાને આપત્તિઓ અને કટોકટીના સમયે મદદરૂપ થશે. આ ક્યુબ્સની ભેટ એ મિત્રતાનું પ્રતીક, આપત્તિ સામેની સજ્જતા માટેની પ્રતિબદ્ધતા અને નવીનતાનું પરિણામ છે.”
ત્યારબાદ વિદેશ મંત્રી જયશંકરે તેમના જમૈકન સમકક્ષ કામિના જે. સ્મિથ અને અન્ય કેબિનેટ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી, જેમાં બંને દેશો વચ્ચેની ભાગીદારીના વિવિધ પાસાઓની ઊંડી સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, “શિક્ષણ અને સ્વાસ્થ્ય, કૃષિ અને ડિજિટલ, પર્યટન, રમતગમત અને મનોરંજન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્ષમતા નિર્માણ અને બહુપક્ષીય મુદ્દાઓમાં અમારા સંબંધોને આગળ ધપાવવા અંગે ચર્ચા કરી.”
ત્યારબાદ તેમણે જમૈકાના ઉદ્યોગ અને વ્યાપારી નેતાઓ સાથે વાતચીત કરી હતી અને જમૈકાના ઉદ્યોગ મંત્રી ઓબિન હિલ સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, “મેં એ વાત પર ભાર મૂક્યો હતો કે જેમ આપણે બધા વૈવિધ્યકરણ કરી રહ્યા છીએ અને વિશ્વસનીય ભાગીદારો શોધી રહ્યા છીએ, ત્યારે ભારત-જમૈકાના વ્યાપારી સંબંધોને ગાઢ બનાવવાની જરૂરિયાત ઘણી વધારે છે. આપણા આર્થિક સહયોગની સંભાવનાઓને દ્વિપક્ષીય અને પ્રાદેશિક બંને શક્યતાઓ માટે વધુ જોરશોરથી તપાસવાની જરૂર છે.”
વિદેશ મંત્રી જયશંકર સુરુનામ અને ટ્રિનિડાડ અને ટોબેગોની પણ મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ગિરમીટિયા સમુદાયોની હાજરીને કારણે આ દેશો ભારત સાથે વિશેષ જોડાણ ધરાવે છે.
‘ગિરમીટિયા’ એ ભારતીય કરારબદ્ધ મજૂરો હતા જેમણે 19મી સદીના મધ્યથી અંત સુધીમાં બ્રિટિશ વસાહતોમાં કામ કરવા માટે ભારત છોડ્યું હતું, જ્યાં ઘણા છેવટે સ્થાયી થયા હતા. ‘ગિરમીટ’ શબ્દ એ ‘એગ્રીમેન્ટ’ (કરાર)નું અપભ્રંશ છે, જે તે કરારનો સંદર્ભ આપે છે જેના હેઠળ તેઓ સ્થળાંતરિત થયા હતા.
વધુ વાંચો: વાતાવરણમાં પરિવર્તનથી અમીબાનો વધી રહ્યો છે ખતરો, વૈજ્ઞાનિકોની ચેતવણી


