Homeગુજરાતીદેશ-વિદેશકર્ણાટકમાં 4.91 કરોડ રૂપિયાની નકલી દવાઓ ઝડપાઈ, આંતરરાજ્ય કૌભાંડનો ઘટસ્ફોટ

કર્ણાટકમાં 4.91 કરોડ રૂપિયાની નકલી દવાઓ ઝડપાઈ, આંતરરાજ્ય કૌભાંડનો ઘટસ્ફોટ

બેંગલુરુ, 19 ઓગસ્ટ 2026: કર્ણાટક ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ની ડ્રગ એનફોર્સમેન્ટ વિંગ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ અભિયાન દરમિયાન વિભાગે આશરે 4.91 કરોડ રૂપિયાની કિંમતનો નકલી અને ગેરકાયદેસર દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે, બેંગલુરુ દક્ષિણ જિલ્લાના બિદાદી સ્થિત કુરુબારાકેરેનાહલ્લી વિસ્તારના એક ફાર્મ હાઉસમાં વગર લાયસન્સે દવાઓની રી-પેકેજિંગ અને રી-લેબલિંગનું ગેરકાયદેસર કામ ચાલી રહ્યું હતું. 18 ઓગસ્ટે મળેલી બાતમીના આધારે FDA ની ટીમ દ્વારા આ રેડ કરવામાં આવી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે અન્ય રાજ્યોમાંથી સસ્તી દવાઓ મંગાવીને તેને મોંઘી બ્રાન્ડેડ અને આયાતી દવાઓ જેવા દેખાડવા માટે તેના પર નકલી લેબલ લગાવવામાં આવતા હતા. આ નકલી દવાઓમાં સ્કેનિંગ કોડ પણ કામ કરતા ન હતા, જે ગ્રાહકો સાથે મોટી છેતરપિંડી દર્શાવે છે. આ દરોડા દરમિયાન વિભાગ દ્વારા મોટી માત્રામાં શંકાસ્પદ અને નકલી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં Cefiavigent 2.5 ઇન્જેક્શનની 5640 શીશીઓ, Hizlam ઇન્જેક્શનની 1531 શીશીઓ, Xavitaz ઇન્જેક્શનની 470 શીશીઓ, Emblaveo ઇન્જેક્શનની 264 ૨૬૪ શીશીઓ તથા એક્સપાયર થયેલી દવાઓના 30 બોક્સ, પેકેજિંગ મટીરિયલ, ઇન્જેક્શન ભરવાના મશીનો અને નકલી લેબલ્સ જપ્ત કરવામાં આવ્યાં છે. જપ્ત કરાયેલા આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ. 4,91,49,575 આંકવામાં આવી છે.

  • દર્દીઓના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ

FDA ના કમિશનર શ્રીનિવાસ કે. ના જણાવ્યા અનુસાર, એક્સપાયર થયેલી દવાઓ મળવી એ સૌથી મોટી ચિંતાનો વિષય છે, કારણ કે આ દવાઓને ફરીથી સપ્લાય ચેઈનમાં મોકલવાની યોજના હોઈ શકે છે. આનાથી દર્દીઓના જીવન પર ગંભીર ખતરો ઉભો થઈ શક્યો હોત. આગળની કાયદેસરની કાર્યવાહી માટે જપ્ત કરાયેલી દવાઓના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને કર્ણાટક FDA પોર્ટલ પર આ બેચ નંબરો બ્લોક કરવામાં આવી રહ્યા છે. તવારેકેરે પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ કસૂરવારો સામે આકરી સજાની જોગવાઈ મુજબ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular