મુંબઈ, 19 ઓગસ્ટ 2026: મહારાષ્ટ્રમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને નિયમોના ઉલ્લંઘન સામે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા ચલાવવામાં આવી રહેલા કડક અભિયાનને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સમર્થન આપ્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે, જનહિત અને નાગરિકોની તંદુરસ્તી સાથે ચેડાં કરનારાઓ સામે આ પ્રકારની સઘન કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે FDA દ્વારા ખૂબ જ અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે પણ કોઈ ખાદ્ય સુરક્ષાના ધોરણોનું ઉલ્લંઘન કરે છે અથવા ભેળસેળ જેવા ગંભીર કૃત્યો દ્વારા લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે, ત્યારે કડક પગલાં લેવા અનિવાર્ય બની જાય છે. આ પ્રકારની કાર્યવાહીથી જનતામાં સારો સંદેશ જઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મે 2026 માં તુકારામ મુંડેએ FDA કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ સમગ્ર રાજ્યમાં દરોડા અને નિરીક્ષણની કામગીરીમાં નોંધપાત્ર વધારો થયો છે.
એજન્સીના વડા તુકારામ મુંડેએ એક મુલાકાતમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ખાદ્ય સુરક્ષાની આ આખી શૃંખલામાં નિયમોનું પાલન કરવું સૌ કોઈની જવાબદારી છે અને આ નિયમો દરેકને સમાન રીતે લાગુ પડે છે, દોષિતોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે.
- બોલિવૂડ કલાકારો અને મોટી કંપનીઓ પર સકંજો
મહારાષ્ટ્ર એફડીએ દ્વારા વિમલ ઈલાયચી જેવા કથિત તમાકુ ઉત્પાદનની જાહેરાતમાં બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરવા બદલ બોલિવૂડ અભિનેતાઓ શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઈગર શ્રોફને કારણ દર્શાવો નોટિસ ફટકારવામાં આવી છે. એજન્સીએ ચેમ્બુર ખાતે આવેલ મેસર્સ પાર્લે એગ્રોના ગોડાઉનમાંથી ફ્રૂટી, એપિ અને એપલ ફિઝનો એક્સપાયર્ડ સ્ટોક મળી આવતા તેનું લાઈસન્સ સસ્પેન્ડ કર્યું છે. આ ઉપરાંત ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોના ભંગ બદલ બ્લિંકઈટ, ઝેપ્ટો અને ઇન્સ્ટામાર્ટ સાથે સંકળાયેલા અનેક ફૂડ બિઝનેસ ઓપરેટર્સના લાઈસન્સ પણ રદ કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


