1. Home
  2. ગુજરાતી
  3. કચ્છની મીઠી મધૂર ગણાતી ખારેકનું મબલખ ઉત્પાદન થાય એવી ખેડુતોને આશા
કચ્છની મીઠી મધૂર ગણાતી ખારેકનું મબલખ ઉત્પાદન થાય એવી ખેડુતોને આશા

કચ્છની મીઠી મધૂર ગણાતી ખારેકનું મબલખ ઉત્પાદન થાય એવી ખેડુતોને આશા

0
Social Share

ભુજઃ કચ્છની ખારેક દેશ-દુનિયામાં વખણાય છે.  કચ્છમાં ખારેકનાં વાવેતરમાં વરસોવરસ વધારો થઈ રહ્યો હોવાના કારણે ઉત્પાદન તો ઘણું સારું રહેશે, જિલ્લામાં 18,800 હેક્ટર એટલે કે, 45 હજાર એકર કરતાં વધુ વિસ્તારમાં ખારેકનું વાવેતર થયું છે. ભારે ક્ષારવાળા પાણીમાં પણ પાકી જતી ખારેકનું ભવિષ્ય કચ્છમાં ઉજ્જવળ છે. દેશી અને બારહી મળીને 1.60 લાખ મેટ્રિક ટનથી વધુ કચ્છી મેવાનો મબલખ ઉતારો આ વર્ષે થવાની આશા કચ્છના બાગાયતકારો રાખી રહ્યા છે. કોરોના સંકટ ઉપરાંત તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાન વચ્ચેય સારા ફાલના સારા ભાવ મળશે.

દેશી ખારેકની બજાર શરૂઆતમાં સારી રહી, પરંતુ વચ્ચે વરસાદે ખેડૂતોને ડરાવતાં ઉતાવળમાં ઉતારી લીધી. ખારેકમાં તો રંગ બદલે એટલે વાત પૂરી. સુરત, સોમનાથ, જૂનાગઢ, કેશોદ સહિત રાજ્યમાં ખારેક મોકલતા ખેડુતોએ જણાવ્યું હતું  કે, હજુ 12થી 15 દિવસ દેશીનો દબદબો રહેશે, પછી જૂનના અંતમાં બારહી બજારમાં આવવા માંડશે. કચ્છથી કાશ્મીર અને કન્યાકુમારી સુધી કચ્છી મેવો પહોંચાડતા વેપારીએ જણાવ્યું હતું કે, ઉત્પાદન તો ઘણું સારું થયું, પરંતુ વરસાદ થતાં ક્યાંક દેશી ખારેક ફૂટી ગઈ, આવી ખારેક ખરીદીના ત્રીજા દિવસે ખાટી થઈ જાય છે. ચેન્નાઈ, મદ્રાસ, મુંબઈ, કોલકાતા સહિત એક હજાર કિલોમીટરથી વધુ અંતર સુધી પહોંચાડવી હોય તો ફાટી ગયેલી દેશી ખારેક ખરાબ થઈ જાય છે. બીજી તરફ પાકી ન હોવાથી બારહી ખારેક સલામત છે એટલે બારહીની બજારમાં બોલબાલા રહેશે, એવું લાગી રહ્યું છે. આ વખતે દેશી ખારેકના 10થી 60-70 અને સારી વકલના 100 રૂપિયા સુધી ભાવ મળશે.

મુંદરા સ્થિત ખારેક સંશોધન કેન્દ્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, સારી ખારેક તો કચ્છના રણપ્રદેશમાં પાકે જ છે, પરંતુ કચ્છમાં થતા કુલ ઉત્પાદનના 50 ટકા ખારેક તૂરા સ્વાદવાળી અને ડૂચો વળે તેવી હોય છે. આવી ખારેકનું મૂલ્યવૃદ્ધિ રૂપે પ્રોસાસિંગ કરવું જોઈએ. હવે તરત વરસાદ થાય તો દેશી-લાલ ખારેકને વધુ નુકસાન થાય અને મોડો થાય તો બારહીને નુકશાન થઈ શકે તેમ છે. વરસાદ ન વરસે તો બારહી વાવનાર ખેડૂતો ખાટી જશે. તેમને ખારેક જેવી જ મોસમની મીઠી કમાણી થશે. મૂળ ઈરાકની પીળા રંગની `બારહી’ તરીકે ઓળખાતી મીઠી-મધુરી ખારેક સૌથી વધારે વખણાય છે. કચ્છમાં પાકતી બારહીની વિદેશોમાં વિશેષ માંગ છે. કચ્છમાં બારહી ખારેકના એક લાખ વૃક્ષ છે, પરંતુ પ્રદેશમાં મોડી પાકતી હોવાથી આ પીળી ખારેકની મોસમ પ્રમાણમાં ટૂંકી રહેતી હોય છે. કચ્છમાં મુંદરા અને અંજાર `ખારેકના ગઢ’ ગણાય છે. જો કે પાછળથી ભુજ, માંડવી, ભચાઉ, કુકમા, રેલડી સહિત વિવિધ ભાગોમાં વાવેતર થવા માંડયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code