PoKમાં પ્રચંડ જનવિદ્રોહ આગળ પાકિસ્તાનની પીછેહઠ, સરકાર વાટાઘાટો કરવા તૈયાર
ઇસ્લામાબાદ, 19 જૂન 2026: પાકિસ્તાન ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માં ફાટી નીકળેલા પ્રચંડ લોકવિદ્રોહ અને હિંસક પ્રદર્શનોને પગલે ઇસ્લામાબાદની શાહબાઝ શરીફ સરકાર સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગઈ છે. કાશ્મીરી પ્રદર્શનકારીઓના આક્રોશને શાંત કરવા માટે હવે સરકારે નમતું જોખીને વાતચીતનો રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનની નેશનલ અસેબ્લીમાં બોલતા સત્તાધારી પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વડા બિલાવલ ભુટ્ટોએ જણાવ્યું કે, “અમે પ્રદર્શનકારીઓ સાથે ચર્ચા કરવા તૈયાર છીએ. આંદોલનકારીઓની 80 ટકા માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે અને બાકીના 20 ટકા પ્રશ્નો પણ વાટાઘાટો દ્વારા ઉકેલી લેવાશે.” બિલાવલ ભુટ્ટો ઉપરાંત પરિસ્થિતિને થાળે પાડવા માટે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને પણ આગળ કરવામાં આવ્યા છે. નવાઝ શરીફે આંદોલનકારીઓને હિંસા છોડીને વાતચીતના ટેબલ પર પરત ફરવા અપીલ કરી છે. અત્રે નોંધનીય છે કે, આ એ જ પાકિસ્તાન સરકાર છે જેણે થોડા દિવસો પહેલા જ આ આંદોલનના 150 પ્રદર્શનકારીઓને સત્તાવાર રીતે ‘આતંકવાદી’ જાહેર કરી દીધા હતા.
-
આખરે પાકિસ્તાન સરકાર શા માટે બેકફૂટ પર આવી?
લાખો લોકો રસ્તા પરઃ પાકિસ્તાન સરકારે શરૂઆતમાં આ જનઆંદોલનને માત્ર ‘પીપુલ્સ એક્શન કમિટી’ નો સ્થાનિક મુદ્દો ગણાવીને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. સરકારે સંગઠન પર પ્રતિબંધ મૂકીને નેતાઓની ધરપકડ કરી, પરંતુ તેનાથી લોકોનો આક્રોશ વધુ ભડક્યો છે. સરકારી દમન છતાં સ્થાનિક નાગરિકોએ બજારો અને દુકાનો સંપૂર્ણ બંધ રાખ્યા છે. હાલમાં સમગ્ર પીઓકેમાં જનજીવન ઠપ્પ છે અને લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હોવાથી પાકિસ્તાની શાસકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.
સેના તૈનાત: સરકારે પ્રદર્શનોનું નેતૃત્વ કરી રહેલી ‘જોઇન્ટ અવામી એક્શન કમિટી’ પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવીને પ્રતિબંધ મૂક્યો હતો અને તેના 4 ટોચના નેતાઓ પર ઇનામ જાહેર કર્યું હતું. આમ છતાં રાત-દિવસ વિરોધ પ્રદર્શનો ચાલુ જ છે. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી ‘રોઇટર્સ’ ના અહેવાલ મુજબ, આ હિંસક પ્રદર્શનો અને પોલીસ ઘર્ષણમાં અત્યાર સુધીમાં 24 સામાન્ય નાગરિકો અને 4 પોલીસ જવાનો સહિત કુલ 28 લોકોના મોત નીપજ્યા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે રાવલકોટમાં પાકિસ્તાની સેના તૈનાત કરવી પડી છે અને ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવાઈ છે. પોલીસે અત્યાર સુધીમાં 555 લોકોની ધરપકડ કરી છે.
તણાવ વચ્ચે પીઓકેમાં ચૂંટણી પાછી ઠેલાઈ
પીઓકેની સળગતી સ્થિતિને જોતા ચૂંટણી પંચે પણ મોટો નિર્ણય લેવો પડ્યો છે. અગાઉ ઉમેદવારી પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ 19 જૂન હતી, જેને લંબાવીને હવે 23 જૂન કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પીઓકેની 45 બેઠકો માટે આગામી 27 જુલાઈના રોજ મતદાન યોજાવાનું નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ વર્તમાન બળવાને જોતા ચૂંટણી પ્રક્રિયા પર પણ સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે.


