રાજકોટ, 27 એપ્રિલ 2026: Fire breaks out at Fun Blast Game Zone શહેરના કાલાવડ રોડ પરના ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં રવિવારે આગ લાગતા ગેમ ઝોનમાં આવેલા પરિવારો અને બાળકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ગેમ ઝોનમાં સ્પાર્કના ડરથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને બહારની બાજુએ ભાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમો સ્થળ પર દોડી આવી હતી. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. કોઈ કારણે સ્મોક ડિટેક્ટર એક્ટિવ થતા હૂટર વાગવા લાગ્યા હોવાની સ્પષ્ટતા સંચાલક દ્વારા કરવામાં આવી હતી. ફાયર વિભાગ અને મનપા ડેપ્યુટી કમિશનર નંદાણીની દેખરેખમાં ઝણીવટભરી તપાસ કરવામાં આવી હતી.
આ બનાવની વિગત એવી છે કે, ગઈકાલે તા.26 ને રવિવારના રોજ શહેરના મોટા મવા મેઇન રોડ પર મટુકી રેસ્ટોરન્ટની પાછળ આવેલા ‘ફન બ્લાસ્ટ’ ગેમ ઝોનમાં લોકો પરિવાર સાથે મોજ માણી રહ્યા હતા. ત્યારે સાંજે 7 વાગ્યાના અરસામાં આગ લાગતા પરિવારો અને બાળકોની સાથે આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાની સાથે જ રામાપીર અને કાલાવડ ફાયર સ્ટેશનથી ફાયર વિભાગની ટીમ અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસ મુજબ ગેમ ઝોનમાં ટ્રેમ્પોલિન સેક્શનની ઉપરના ભાગે ઇલેક્ટ્રિક પેનલ કે વાયરિંગમાં અચાનક સ્પાર્ક થયો હતો. આ શોર્ટ સર્કિટના કારણે તણખા નીચે પડ્યા હતા અને ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા હતા. આગ લાગતાની સાથે જ ગેમ ઝોનમાં સ્મોક ડિટેક્ટર અને ફાયર એલાર્મ વાગવા લાગ્યા હતા, જેનાથી સ્ટાફ અને ગ્રાહકો સતર્ક થઈ ગયા હતા. આ સાથે જ ગેમઝોનના ઇમરજન્સી એક્ઝિટ ગેટ તરફ દોડી લોકો પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા. ગેમ ઝોન પાસે ફાયર વિભાગની NOC અને નવા નિયમો મુજબ તમામ મંજૂરીઓ હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

