1. Home
  2. ગુજરાતી
  3. ગાંધી જ્યંતિઃ ધર્મ, ગૌરક્ષા અને જાતિભેદ સહિતના મુદ્દા ઉપર ગાંધીજીએ દુનિયાને બતાવી નવી રાહ
ગાંધી જ્યંતિઃ ધર્મ, ગૌરક્ષા અને જાતિભેદ સહિતના મુદ્દા ઉપર ગાંધીજીએ દુનિયાને બતાવી નવી રાહ

ગાંધી જ્યંતિઃ ધર્મ, ગૌરક્ષા અને જાતિભેદ સહિતના મુદ્દા ઉપર ગાંધીજીએ દુનિયાને બતાવી નવી રાહ

0
Social Share

ભારતની સ્વાધિનતા હેતુ આપણા અનેક પૂર્વજોએ પોતાના જીવનનાં બલિદાન માતૃભૂમિ ભારતના ચરણોમાં અર્પણ કર્યાં છે. જ્યારે સ્વાધિનતા સંગ્રામને યાદ કરીએ અને ભારતની ગૌરવગાથાનું વર્ણન કરીએ ત્યારે ગુજરાતના પનોતા પુત્ર શ્રી મોહનચંદ કરમચંદ ગાંધી ઉપાખ્ય મહાત્મા ગાંધીજીનું સ્મરણ અવશ્ય થાય જ.

ગાંધીજીએ સમાજનું નેતૃત્વ કરી સમાજનું વિવિધ વિષયો પરત્વે પ્રબોધન કરેલ. ૨ ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ. ચાલો આપણે સૌ તેમના દ્વારા સમયે સમયે કેટલાક વિષયો ઉપર પ્રગટ કરેલ વિચારોને જાણી ભારતના ભૂતકાળને યાદ કરી વર્તમાન માટે અનુરૂપ સાત્ત્વિક બુદ્ધિ સાથે નીરક્ષીર વિવેક-સમજદારીથી ભવિષ્યના ભારત વિશે વિચારીએ.

  • હિન્દુ ધર્મ

હિન્દુ ધર્મ બધા ધર્મો કરતાં સૌથી વધારે સહિષ્ણુ છે. એના સિદ્ધાંતો સર્વગ્રાહી છે. હિન્દુ ધર્મની ખરી મહત્તા એ છે કે તે માને છે કે જીવમાત્ર (માત્ર મનુષ્યો જ નહીં પણ સચેતન પ્રાણીમાત્ર) છે; એમાં એક સર્વવ્યાપી મૂળમાંથી ઉદભવતા જીવમાત્રનો સમાવેશ થાય છે.કેવળ મનુષ્ય માત્ર જ નહિ પણ જીવમાત્ર એક છે એમ હિન્દુ ધર્મ માને છે.

હિન્દુ ધર્મ એના અનુયાયીઓએ માનવા જ જોઈએ એવા સિદ્ધાંતોની જાળથી મુક્ત છે. આ મને બહુ જ ગમે છે, કારણ તેથી હિન્દુધર્મીને આત્મોન્નતિનો વિશાળમાં વિશાળ અવકાશ રહે છે. હિન્દુ ધર્મ સાંકડો નથી. તેને લીધે હિન્દુઓ બીજા ધર્મને માન આપી શકે છે, એટલું જ નહિ પણ બીજા ધર્મોમાં સાર હોય તે ગ્રહણ પણ કરી શકે છે.

મારા હિન્દુ ધર્મમાં સર્વધર્મી સમાઈ જાય છે. સર્વ ધર્મનો નિચોડ અથવા સાર હિન્દુધર્મમાં મળે છે અને હિન્દુધર્મમાં બીજાં સર્વ ધર્મ તત્ત્વો પચાવી લેવાની શક્તિ ન હોય અને તે કામ તેણે ન કર્યું હોય તો તે આટલો ઊંચોયે ન ચડત.

હિન્દુધર્મનો નિચોડ સમજાવવા ગાંધીજી તુલસીદાસજીનો દોહો કહે છે…

“દયા ધર્મ કા મૂલ હૈ,
પાપ મૂલ અભિમાન;
તુલસી દયા ન છોડીએ,
જબલગ ઘટ મેં પ્રાણ.”

હિન્દુ ધર્મના વેદના પેટમાં સર્વ ધર્મોનો સાર ભરેલો છે છતાં એટલું કબુલ કરવું જોઈએ કે, હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ એ માટે ધર્મી અલબત્ત જુદા છે. નામથી બધા ધર્મો એકબીજાથી જુદા છે, પણ બીજી રીતે જુઓ તો બધાનું બીજ એક જ છે. હિન્દુ ધર્મ તો એક મહાસાગર છે. જેમ સાગરમાં બધી નદીઓ ભળી જાય છે તેવી જ રીતે સર્વ ધર્મોનો હિન્દુ ધર્મમાં સમાવેશ થઈ જાય છે. હિન્દુ ધર્મ એ જે અનેક યુગનો વિકાસ છે.

હિન્દુ ધર્મની શુદ્ધતાનો આધાર હિન્દુધર્મીની તપશ્ચર્યા પર રહે છે. જ્યારે જ્યારે ધર્મ ભયમાં આવી પડે છે ત્યારે ત્યારે હિન્દુધર્મી તપશ્ચર્યા કરે છે, મેલનાં કારણો શોધે છે ને તેના ઉપાય યોજે છે.

ઈશોપનિષદનો એક પહેલો શ્લોક જ હિન્દુઓની સ્મૃતિમાં કાયમ રહી જાય તોએ હિંદુ ધર્મ સદાકાળ જીવતો રહે. સૂર્ય તપે છે ત્યાં સુધી હિંદુ ધર્મ જીવતો રહેશે.

ગાંધીજી કહે છે કે, જુલમથી ત્રાસીને ભાગી છુટેલા પ્રાચીન ખ્રિસ્તીઓને હિંદુધર્મે આશ્રય આપ્યો હતો. ઇઝરાઈલના અનુયાયી યહૂદીઓને પણ હિન્દુધર્મે આશરો દીધો હતો અને ઈરાનથી એવા જુલમથી ત્રાસીને ભાગી નીકળેલા પારસીઓને પણ હિન્દુધર્મેને જ સંઘર્યા હતા. ધર્મઝનૂની મુસલમાનોના ત્રાસથી, ઈરાનથી નાસી છૂટેલા પારસીઓને આશ્રય આપનાર રાજા હિન્દુ હતો.

  • ગૌરક્ષા 

આપણી સંસ્કૃતિમાં ગાયને માનબિંદુ માનીએ છીએ. ગાય માતાના રક્ષણ સંવર્ધન હેતુ સમાજ અવિરત પ્રયત્નશીલ રહે છે.ગોરક્ષા ગાંધીજી માટે સ્વરાજથી અધિક પ્રિય હતી. ગાય અને ગોરક્ષા સંબંધિત મહાત્માજીના વિચારો જાણીએ.

“… બાળક પણ સમજે છે કે ગાયની રક્ષા કરવી જોઈએ, ગોરક્ષા ન કરીએ ત્યાં સુધી આપણે હિન્દુ શેના?”

” હિન્દુ ધર્મમાં ગોરક્ષાના સિદ્ધાંતે દયા ધર્મના વિકાસમાં અપૂર્વ ફાળો આપ્યો છે. ગોરક્ષા એટલે જીવમાત્રની એકતા અને પવિત્રતાના સિદ્ધાંતનો વ્યવહારિક પ્રયોગ ”

“હું સ્વયં ગાયનું સન્માન કરું છું… તેને શ્રદ્ધાથી દેખું છું. ગાય ભારતની રક્ષક છે, કેમકે કૃષિ પ્રધાન દેશ હોવાને કારણે આપણો દેશ ગાય પર આશ્રિત છે. સેંકડો રીતે ગાય સૌથી ઉપયોગી પશુ છે. આપણા મુસલમાન ભાઈઓ પણ તેને સ્વીકાર કરશે.”

  • જાતિભેદ-અસ્પૃશ્યતા 

ચિરપુરાતન આપણી સંસ્કૃતિમાં અનેક કારણોસર આપણા જીવનદર્શન અને મૂલ્યોથી વિપરીત અનેક અવગુણ નિર્માણ થયા. તેનાથી વ્યથિત મહાત્મા ગાંધીજી તેના નિર્મૂલન માટે સ્વયં પ્રયત્નશીલ હતા અને તેઓ ભારતના પુત્રવત સમાજને પ્રગતિ, સ્વરાજ્ય અને રામરાજ્ય હેતુ જાતિભેદ અને અસ્પૃશ્યતાથી મુક્ત થવા સમજાવતાં કહે છે….

“જાતિભેદ એ આત્માના તેમ જ રાષ્ટ્રના વિકાસમાં હાનિકર્તા છે.”

“…. જો આપણે ખુલ્લા મનથી જોઈશું તો જણાશે કે આપણી જાતિઓ આપણી પ્રગતિને, ધર્મને, સ્વરાજ્યને અને રામરાજ્યને અવરોધવાનું કાર્ય કરે છે.”

“જે હિન્દુ એવી કશી ઉચ્ચતા કે નીચતાના ખ્યાલને કારણે બીજાની જોડે જમવાની ના પાડે છે તે હિન્દુ ધર્મને ખોટા રૂપમાં રજૂ કરે છે.”

“મારી હિંદુ ધર્મની સમજણ હોવાથી હિન્દુ ધર્મમાં અસ્પૃશ્યતાને હું કદી પણ સાંખી શક્યો નથી. અસ્પૃશ્યભાવનાને હું હંમેશા હિન્દુ ધર્મની ઉપર વળગેલો મેલ માનતો આવ્યો છું.”

“અસ્પૃશ્યભાવના આપણી વિવેકબુદ્ધિની સાવ વિરુદ્ધ અને પ્રેમ કે દયાધર્મના આપણા કુદરતી ભાવોની વિરોધી છે એ તો નિ:સંદેહ છે. જે ધર્મ ગાયની પૂજા પ્રવર્તાવતાં અચકાતો નથી તે માણસ જેવા માણસનો આટલો ઘાતકી બહિષ્કાર કેમ બરદાસ કરી જ શકે અગર તો તેને ટેકો આપી શકે?”

“આટલા કાળ કચડાયેલા આ અસ્પૃશ્યવર્ગને તજવા કરતાં તો મારા ચૂરેચૂરા થઈ જાય તો પણ હું સંતોષ જ માનું. હિંદુઓ પણ જો પોતાના ઉદાત્ત ઉજ્જવળ ધર્મને આ અસ્પૃશ્યભાવનાના કલંકથી છોડાવી ન લેતાં આમ ને આમ કલંકિત રાખશે તો તેઓ કદી પણ સ્વતંત્રતાને લાયક ગણાશે નહીં.”

“ભગવાને પોતાની કૃતિમાં અને ગીતાજીમાં બતાવ્યું છે કે ભક્ત બનવું હોય તો આપણે ઉચ્ચજ્ઞાતિ અને નિમન્ન જ્ઞાતિ વિશે સમબુદ્ધિ રાખવી જોઈએ. જો આ વાત સાચો સાચી હોય તો હિન્દુ ધર્મમાં અસ્પૃશ્યતા ન જ હોઈ શકે.”

  • સાચો ધર્મ

ખિલાફત આંદોલન સમયે હિન્દુઓ પર થયેલ હુમલાઓ થવાથી ક્રોધિત થઈ…

યંગ ઈન્ડિયા પત્રિકા ૨૯ મે ૧૯૨૪ના પોતાના આલેખમાં ગાંધીજીએ લખ્યું હતું, “…જ્યાં કાયર હશે, ત્યાં જાલિમ હશે જ… એ સાચું છે કે મુસલમાન પોતાના આ ધૃણિત આચરણની સફાઈ કોઈ રીતે આપી નહિ શકે. પરંતુ એક હિંદુ હોવાના નાતે હું તો મુસલમાનોની ગુંડાગર્દી માટે તેમના ઉપર ગુસ્સે થવાથી કંઈક વધુ હિન્દુઓની નામર્દાનગી ઉપર શર્મિંદા છું. જેમના ઘર લુંટાઈ ગયા, તે પોતાના માલ-સામાનની જાળવણીમાં જૂઝતાં ત્યાં જ કેમ ન મરી ગયા-મટી ગયા? જે બહેનોની બેઈજ્જતી થઈ તેમના સગા-સંબંધી તે સમયે ક્યાં હતા? શું તેમનું કોઈ પણ કર્તવ્ય નહોતું? મારા અહિંસા ધર્મમાં સંકટના સમયે પોતાના કુટુંબીઓને અરક્ષિત છોડીને ભાગી જવાને અવકાશ નથી. હિંસા અને કાયરતાપૂર્ણ પલાયનમાં જો મારે કોઈ એકને પસંદ કરવું પડે તો હિંસાને જ પસંદ કરીશ.”

  • સમજદારી અને વ્યવહાર

ગાંધીજી જ્યારે દેશના મોટા નેતાના રૂપમાં સ્થાપિત થયા ત્યારે તે એક દિવસ રાજકોટ પહોંચ્યા. જ્યાં સ્થાનિક મહારાજા વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું હતું આંદોલનના નેતાઓએ ગાંધીજીને આ અભિયાનનું નેતૃત્વ કરવા અનુરોધ કરેલ. પરંતુ બાપુએ તે પ્રતિ કોઈ ઉત્સાહ ન દર્શાવ્યો. તેનાથી હેરાન આંદોલનકારીઓએ કહ્યું કે જ્યારે તમે અંગ્રેજોના છક્કા છોડાવી રહ્યા છો તો એક સાધારણ રાજા સામે ટક્કર લેવા કેમ કતરાઈ રહ્યા છો? ગાંધીજીનો ઉત્તર હતો – અંગ્રેજ વિદેશી છે અને રાજા મારા પોતાના, જો મને કોઈ સમસ્યા હશે, તો હું દરબારમાં તેમની સમક્ષ પોતાની વાત રાખીશ.

ગાંધીજીના ઉપરોક્ત વિચારથી સંદેશ પ્રાપ્ત થાય છે કે પારકા અને પોતાનાને ઓળખી, પોતાના એટલે કે સ્વજનો સાથે પરસ્પર સંવાદથી આત્મીયતાથી સમજાવટથી પ્રશ્નોનું નિરાકરણ કરવું જોઈએ નહીં કે સંઘર્ષથી.

ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીના ઉપરોક્ત વિચારોનું પૃથ્થકરણ કરી, સમ્યક્ રીતે તેને સમજી, આપણા રાષ્ટ્રના જીવનદર્શન-તત્ત્વજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોને આત્મસાત કરી, નિષ્કલંક નિયત અને દ્રષ્ટિ સાથે નીતિનું નિર્ધારણ કરી તેને અનુરૂપ આચરણ વ્યવહાર સાથે સૌ આગળ વધવાનો સંકલ્પ કરે.

(Dr. Mahesh Chauhan)

સંદર્ભ:
●[‘Hind Swaraj or Indian Home Rule'(1909) by M.K.Gandhi, Centenary Edition, Rajpal & Sons, Madarsa Road, Kashmiri Gate, Delhi-06.Pg.40-41.(Annexure 23)]●(संपूर्ण गांधी वाड्मय, खंड 26, जनवरी-अप्रैल 1925, पृ.65-66, प्रकाशन विभाग, सूचना और  प्रसारण मंत्रालय)●(The Bully and the Coward – The Collected Works of Mahatma Gandhi: Vol-24: 8 May,1924, 15 August 1924, pp.141-42)●नैरेटिव का मायाजाल-बलबीर पुंज●હિંદુ ધર્મનું હાર્દ, મો.ક.ગાંધી, સંપાદક: વિશ્વાસ.બી.ખેર●યંગ ઈન્ડીયા, ●નવજીવન, ● પુસ્તક: મહાત્મા ગાંધી-એક શાશ્વત વિચાર; સંપાદક: ભાગ્યે જહા,સુરેશ ગાંધી, કિશોર મકવાણા, અનિલ રાવલ●ભગવદ્ગોમંડલ]

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code