ગુજરાતઃ જિલ્લાઓના વિવિધ શહેરોની જોડતી હવાઈ સેવા શરૂ કરાશે
અમદાવાદઃ ગુજરાતના વિવિધ શહેરોને જોડતી વિમાની સેવાનો દિવાળી બાદ પ્રારંભ કરવામાં આવશે. ચાર શહેર સાથે સુરત એર કનેક્ટિવીટીથી જોડાશે. જેથી હવે લોકો સુરતથી મોટા શહેરમાં ફ્લાઇટના માધ્યમથી જઇ શકશે. રાજ્યના વિવિધ જિલ્લાઓને જોડતી ફ્લાઈટ સેવા શરૂ કરાશે. જેનો સીધો ફાયદો વેપારીઓ અને પ્રવાસીઓને થવાની શકયતા છે.
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓના વિમાની રૂટ શરૂ થશે. સુરત અને અમદાવાદ વચ્ચે ટૂંક સમયમાં ફ્લાઇટ શરુ થશે. આ ઉપરાંત સુરત અને રાજકોટ, ભાવનગર અને અમરેલી વચ્ચે પણ ફ્લાઇટ શરુ થશે. એટલું જ નહીં અમદાવાદ-ભૂજ વચ્ચે એર કનેક્ટિવીટીને મંજૂરી આપવામાં આવી છે. આગામી દિવસોમાં વિમાનોના નવા રૂટ શરૂ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રવાસીઓને પરિવહન સેવાનો પુરતો લાભ મળી રહે તે માટે બસ કનેક્ટીવીટીમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય પરિવહન સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે. જો કે, હવે આગામી દિવસોમાં અલગ-અલગ શહેરોને જોડતી ફ્લાઈટ સેવાનો પણ પ્રારંભ થશે.