1. Home
  2. ગુજરાતી
  3. શું વરુણ ગાંધીએ છોડી દીધું પીલીભીતનું ચૂંટણી મેદાન? ભાજપમાંથી ટિકિટ નહીં મળ્યા બાદ આગળની શું હશે રણનીતિ?
શું વરુણ ગાંધીએ છોડી દીધું પીલીભીતનું ચૂંટણી મેદાન? ભાજપમાંથી ટિકિટ નહીં મળ્યા બાદ આગળની શું હશે રણનીતિ?

શું વરુણ ગાંધીએ છોડી દીધું પીલીભીતનું ચૂંટણી મેદાન? ભાજપમાંથી ટિકિટ નહીં મળ્યા બાદ આગળની શું હશે રણનીતિ?

0
Social Share

લખનૌ: ભારતીય જનતા પાર્ટીએ પીલીભીતના સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કાપી નાખી છે. પાર્ટીએ આ વખતે વરુણ ગાંધીના સ્થાને ઉત્તરપ્રદેશના મંત્રી જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવ્યા છે. રાજ્યની જ શાહજહાંપુર અને ધૌરહરા લોકસભા બેઠક પરથી સાંસદ રહી ચુકેલા જિતિન પ્રસાદ હોળીના દિવસે જ પીલીભીત પહોંચ્યા હતા. તેમણે શીખ સમુદાયના લોકો સાથે બેઠક કરી અને ભાજપના કાર્યકર્તાઓની સાથે પણ મુલાકાત કરી હતી. જિતિન પ્રસાદે પીલીભીતને મહત્વપૂર્ણ લોકસભા મતવિસ્તાર ગણાવતા કહ્યુ છે કે દેશ-રાજ્યની નજર અહીંની ચૂંટણી પર છે.

જિતિન પ્રસાદે વરુણ ગાંધીના નામોલ્લેખ વગર કહ્યુ હતુ કે જાણું છું કે અહીંથી ઘણાં લોકોએ ઉમેદવારી કરી છે. અમે તમામ પાર્ટીના સમર્પિત કાર્યકર્તાઓ છીએ. આ ભાજપ જ છે, જ્યાં નેતૃત્વ નિર્ણય કરે છે તો તેનું તમામ સમ્માન કરે છે. પીલીભીત બેઠક પરથી વરુણ ગાંધીના સ્થાને જિતિનપ્રસાદને ઉમેદવાર બનાવાયા બાદ હવે ચર્ચા શરૂ થઈ છે કે ભાજપના વરુણ ગાંધી હવે આગળ શું કરશે? શું તેઓ અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરશે અથવા તેમની રાજકીય સફરનો આગામી પડવા કોઈ નવી પાર્ટી હશે?

સૂત્રોનો દાવો છે કે વરુણ ગાંધી હવે પીલીભીતથી ચૂંટણી લડવાના નથી. વરુણ ગાંધીએ પોતાના સહયોગી દ્વારા ઉમેદવારી પત્રના ચાર સેટની ખરીદી કરી હતી. કાર્યકર્રતાઓને ત્યાં સુધી કહી દીધું હતું કે દરેક ગામમાંથી બે ફોરવ્હિલર્સ અને 10 ટુ-વ્હિલર્સ તૈયાર રાખો. પરંતુ જિતિન પ્રસાદની ઉમેદવારીની ઘોષણા બાદ પરિસ્થિતિ બદલાય ગઈ છે. વરુણ ગાંધીના સમર્થકોમાં કોઈપણ પ્રકારની સક્રિયતા અથવા ઉત્સાહ જોવા મળ્યા નથી. સૂત્રોનું માનવું છે કે વરુણ ગાંધીએ પોતાના નિકટવર્તીઓને એ પણ જણાવી દીધું છે કે તેમની સાથે છેતરપિંડી થઈ છે અને હવે તેઓ ચૂંટણી લડશે નહીં.

ભાજપે જે યાદીમાં વરુણ ગાંધીના સ્થાને પીલીભીતથી જિતિન પ્રસાદના નામની ઘોષણા કરી. તે લિસ્ટમાં જ મેનકા ગાંધીને સુલ્તાનપુરથી ભાજપે પાર્ટીના ઉમેદવાર બનાવ્યા હતા. પીલીભીતમાં ચૂંટણી પહેલા તબક્કામાં છે અને સુલ્તાનપુરમાં મતદાન ચોથા તબક્કામાં થવાનું છે. વરુણ ગાંધી જો અપક્ષ ઉમેદવાર તરીકે અથવા અનય્ દળમાંથી ચૂંટણી મેદાનમાં ઉતરે છે, તો ભાજપ તેને સહજતાથી લેશે, એવું લાગતું નથી. આમ થશે, તો વરુણ ગાંધીના માતા મેનકા ગાંધીની બેઠક પર તેની નકારાત્મક અસર પડવાનો ખતરો પડી શકે છે.તેવામાં ભાજપે એક જ યાદીમાં માતાને ટિકિટ અને પુત્રને ટિકિટ નહીં આપવાનો દાંવ ખેલ્યો કે જેથી વરુણ ગાંધી પણ તેમાં ગુંચવાડામાં રહે.

વરુણ ગાંધીની આગળની રાહ શું હશે, ચર્ચા તેને લઈને પણ થઈ રહી છે. કોઈ વરુણ ગાંધીને અપક્ષ લડવાની સંભાવના વ્યક્ત કરી રહ્યું છે, તો કોઈ કોંગ્રેસમાંથી લડવાની સલાહ આપી રહ્યું છે. સોશયલ મીડિયા પર પણ અલગ જ ડિબેટ ચાલી રહી છે. સોશયલ મીડિયા પર તો લોકો વરુણને એ સલાહ પણ આપી રહ્યા છે કે તેઓ હવે ગાંધી પરિવાર એટલે કે કોંગ્રેસમાં પાછા ફરે.

કોંગ્રેસ સાથે જોડાયેલા ઘણાં લોકો પણ સોશયલ મીડિયા પર આ કહી રહ્યા છે કે વરુણ ગાંધીને પોતાના પરિવારની બેઠક અમેઠી અથવા રાયબરેલીથી ચૂંટણી લડવી જોઈએ. એક એક્સ યૂઝરે તો વરુણ ગાંધીને કોંગ્રેસની ટિકિટ પર અમેઠીથી ચૂંટણી લડવાની આશા વ્યક્ત કરતી પોસ્ટ લખી છે. આ પોસ્ટ પર ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે પણ પ્રિયંકા ગાંધીનો ઉલ્લેખ કરીને કટાક્ષ કર્યો છે.

મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં દેશની 102 લોકસભા બેઠકો માટે 19 એપ્રિલથી મતદાન થવાનું છે. આ તબક્કામાં પીલીભીત સહીતની યુપીની 8 લોકસભા બેઠકો સામેલ છે. પહેલા તબક્કાની બેઠકો માટે નોમિનેશનની આખરી તારીખ 27 માર્ચ છે. પીલીભીતથી ભાજપના ઉમેદવાર જિતિન પ્રસાદ 27 માર્ચે નામાંકન દાખલ કરશે.

મહત્વપૂર્ણ છે કે પીલીભીત બેઠક પરથી 1996થી જ મેનકા ગાંધીનો દબદબો છે. મેનકા ગાંધી 1989માં જનતાદળની ટિકિટ પર આ બેઠક પરથી પહેલીવાર સાંસદ બન્યા હતા. 1991માં આ બેઠક પરથી ભાજપને જીત મળી હતી. બાદમાં 1996માં મેનકા ગાંધીને જીત મળી અને ત્યારથી અત્યાર સુધી આ બેઠક પર ખુદ માતા મેનકા ગાંધી અથવા તેમના પુત્ર વરુણ ગાંધી લોકસભાના સાંસદ બનતા રહ્યા છે. પીલીભીતથી ટિકિટ નહીં મળવાને કારણે આગળની રણનીતિને લઈને વરુણ ગાંધી અથવા તેમના ટેકેદારોનું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code