સના, 10 સપ્ટેમ્બર 2026: યુદ્ધના માહોલ વચ્ચે હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયા સમર્થિત યમનની સરકારને મોટો ઝટકો આપ્યો છે. હૂતી વિદ્રોહીઓએ લાલ સમુદ્રના કિનારે આવેલા મોચા શહેર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. આ શહેર બાબ અલ મંડેબથી માત્ર 50 માઈલ દૂર આવેલું છે. અહીં હૂતી વિદ્રોહીઓનો કબજો થતાં સાઉદી અરેબિયાની ચિંતા વધી ગઈ છે, કારણ કે હવે સાઉદી આ માર્ગથી સરળતાથી તેલની સપ્લાય કરી શકશે નહીં. પાકિસ્તાન અને તુર્કી દ્વારા યુદ્ધમાંથી હટી જવાની અપીલ કરવામાં આવી રહી છે તેવા સમયે જ હૂતી વિદ્રોહીઓએ મોચા શહેર પર આ કબજો જમાવ્યો છે.
યમન સરકારના 3 અધિકારીઓએ જણાવ્યું હતું કે હૂતી વિદ્રોહીઓએ સરકારી સુરક્ષાકર્મીઓને હટાવીને મોચા પર કબજો કરી લીધો છે. મોચા પર કબજો કરવાનો સીધો અર્થ એ છે કે હવે બાબ અલ મંડેબ પર પણ પકડ મજબૂત થઈ ગઈ છે. એટલું જ નહીં, વિદ્રોહીઓએ યમન સરકારના રક્ષા મંત્રીને હાનિ પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો હતો, જોકે હૂતી હુમલામાં તેઓ માંડ-માંડ બચી ગયા હતા.
હૂતી લડાયકો અને યમની સેના વચ્ચે ભીષણ ઘમાસાણ મચ્યું હતું, ત્યારબાદ યમની સૈનિકો ત્યાંથી પીછેહઠ કરી ગયા હતા. સેનાના ખસી જ્યા પછી હૂતી લડાયકોએ સમગ્ર વિસ્તાર પર કબજો જમાવી લીધો હતો. મોચા પર કબજો મેળવ્યા બાદ હૂતી લડાયકોએ ઉત્સવ મનાવ્યો હતો, જેના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. અહેવાલ મુજબ, બાબ અલ મંડેબ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે પેરીમ ટાપુ પર કબજો કરવો જરૂરી છે. આ ટાપુ મોચા શહેરના કિનારે જ આવેલો છે. લાંબા સમયથી હૂતી લડાયકો આના પર કબજો કરવા માટે મથામણ કરી રહ્યા હતા, જેમાં હવે તેમને સફળતા મળી છે.
-
‘બાબ અલ મંડેબ’નું મહત્વ
લાલ સમુદ્ર એ યમન અને આફ્રિકા વચ્ચેનો એક દરિયાઈ માર્ગ છે, જે લાલ સમુદ્રને અદનની ખાડી અને અરબી સમુદ્ર સાથે જોડે છે. હોરમુઝ સ્ટ્રેટની જેમ જ બાબ અલ મંડેબ પણ દુનિયામાં વ્યાપાર અને ઉર્જા પુરવઠા માટે એક અત્યંત મહત્વનો માર્ગ છે, જે યુરોપ, આફ્રિકા અને પશ્ચિમ એશિયાને જોડે છે.
તાજેતરના દિવસોમાં જ્યારે ઈરાને હોરમુઝ માર્ગ બંધ કર્યો, ત્યારે સાઉદી અરેબિયાએ બાબ અલ મંડેબના રસ્તેથી મોટા પ્રમાણમાં તેલની નિકાસ કરી હતી. અહેવાલો મુજબ, સાઉદી આ માર્ગથી પ્રતિદિન ૩ મિલિયન બેરલ તેલ વેચતું હતું. હવે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ફરી વકર્યો છે, ત્યારે ઈરાને હૂતી વિદ્રોહીઓ દ્વારા આ માર્ગ પર નિયંત્રણ મેળવવાની રણનીતિ બનાવી છે.
આ જ કડી અંતર્ગત હૂતી વિદ્રોહીઓએ પહેલા મોચા શહેરને પોતાના નિયંત્રણમાં લીધું છે, અને હવે તેઓ પેરીમ ટાપુ પર કબજો કરીને આ મહત્વપૂર્ણ વ્યાપારી માર્ગને બંધ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સમુદ્ર માર્ગે વહન થતા કુલ તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસનો 12ટકા હિસ્સો મંડેબ રૂટ થઈને જ પસાર થાય છે.


