લખનૌ, 10 સપ્ટેમ્બર 2026: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. જમીન વેચાણમાં કથિત અનિયમિતતા અને સરકારી રાજસ્વ (રેવેન્યુ)ને નુકસાન પહોંચાડવાના કેસમાં વિજિલન્સે આઝમ ખાન સહિત પાંચ લોકો સામે એફઆઈઆર નોંધાવી છે. વિજિલન્સ તપાસમાં અંદાજે 2.8 કરોડ રૂપિયાના સરકારી રાજસ્વને નુકસાન થયું હોવાની વાત સામે આવી છે. આરોપ છે કે નિયમોની વિરુદ્ધ જઈને જમીનનું વેચાણ કરવામાં આવ્યું હતું અને તેના દ્વારા કેટલીક ખાનગી ફર્મોને ફાયદો પહોંચાડવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલો લખનૌના એશબાગ વિસ્તારના કાયમખેડા સ્થિત હજ કમિટીની આશરે 60 હજાર ચોરસ ફૂટ જમીન સાથે જોડાયેલો છે. આ જમીન કાયમખેડાના ખસરા નંબર 117માં નોંધાયેલી હતી. આરોપ છે કે નિયમોને બાજુ પર મૂકીને જમીન વેચવામાં આવી હતી, જેના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું.
-
કોની-કોની સામે નોંધાઈ એફઆઈઆર?
વિજિલન્સ તપાસ બાદ હવે તમામ આરોપીઓ સામે છેતરપિંડી, ભ્રષ્ટાચાર અને સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં નીચે મુજબના નામ સામેલ છે:
રાજ્ય હજ સમિતિના તત્કાલીન અધ્યક્ષ આઝમ ખાન
રાજ્ય હજ સમિતિના તત્કાલીન સચિવ લઈક અહમદ (નિવૃત્ત)
રાજ્ય હજ સમિતિના તત્કાલીન સચિવ ડૉ. એમ.એ. ખાન (નિવૃત્ત)
આમિશ ડેવલપર્સ ફર્મના પ્રોપરાઇટર મો. અયુબ
મુસ્તકીમ અહમદ
ઉલ્લેખનીય છે કે આ મામલે ઉત્તર પ્રદેશ શાસન દ્વારા ગત 3 મે 2024ના રોજ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. વિજિલન્સની સઘન તપાસ બાદ હવે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


