જમ્મુ-શ્રીનગર હાઈવે પર ટેમ્પો પર વિશાળ પથ્થર પડ્યો, બેના મોત અને ત્રણ ઘાયલ
ઉધમપુર, 22 જુલાઈ 2026: જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર રામબન જિલ્લાના રામસુ વિસ્તારમાં પહાડ પરથી એક વિશાળ પથ્થર ટેમ્પો પર પડતાં બે મુસાફરોનાં મોત થયાં હતાં અને અન્ય ત્રણ જણ ઘાયલ થયા હતા. આ ઘટના બાદ હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવા માટે કાટમાળ હટાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
અહેવાલો અનુસાર, એક ટેમ્પો શ્રીનગરથી ડોડા જિલ્લા તરફ જઈ રહ્યો હતો. જ્યારે આ વાહન રામસુ વિસ્તારમાં પહોંચ્યું, ત્યારે પહાડ પરથી અચાનક એક વિશાળ પથ્થર ગબડીને સીધો તેના પર આવી પડ્યો. પથ્થરની ટક્કરથી વાહનને ભારે નુકસાન થયું અને તેમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો.
બે મુસાફરોના મોત, અનેક ઘાયલ
આ અકસ્માતમાં બે મુસાફરોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ પીડિતો ડોડા જિલ્લાના કસ્તીગઢ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મળતાં જ પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત તથા બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક રામસુ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યારે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અને અન્ય કાયદાકીય કાર્યવાહી માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.


