1. Home
  2. ગુજરાતી
  3. લોકસભામાં હંગામો: TMC સાંસદ કલ્યાણ બેનર્જી કથિત દુર્વ્યવહાર બદલ સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ
લોકસભામાં હંગામો: TMC સાંસદ કલ્યાણ બેનર્જી કથિત દુર્વ્યવહાર બદલ સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ

લોકસભામાં હંગામો: TMC સાંસદ કલ્યાણ બેનર્જી કથિત દુર્વ્યવહાર બદલ સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ

0
Social Share

નવી દિલ્હી, 22 જુલાઈ 2026: સંસદના ઉપલા અને નીચલા ગૃહમાં રાજકીય ગરમાગરમી વચ્ચે લોકસભામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભામાં બુધવારે કાર્યવાહી દરમિયાન મોટો રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો, જ્યાં TMC ના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જીને મહિલા સાંસદો સાથે કથિત દુર્વ્યવહાર અને અપશબ્દોના ઉપયોગના ગંભીર આરોપસર સમગ્ર ચોમાસુ સત્રની બાકી રહેલી અવધિ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગૃહની અંદર જ સાંસદો વચ્ચે થયેલી તીખી બોલાચાલી બાદ આ મામાલો સીધો લોકસભા સ્પીકર સુધી પહોંચ્યો હતો, જેના પગલે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લોકસભાની કાર્યવાહી દરમિયાન વિપક્ષના જોરદાર હંગામા વચ્ચે જ્યારે ગૃહ સ્થગિત થયું હતું, તે સમયે TMC સાંસદ કલ્યાણ બેનર્જી અને તેમના કેટલાક પૂર્વ સહયોગીઓ, જેઓ હવે NCPI સાથે જોડાયેલા છે, તેમની વચ્ચે કોઈ બાબતે ચકમક ઝરી હતી અને ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. આ વિવાદમાં NCPI સાંસદ મિતાલી બાગ, શતાબ્દી રાય અને કાકોલી ઘોષ દસ્તીદાર પણ સામેલ હતા. જોકે, આ વિવાદ ચોક્કસ કયા મુદ્દે શરૂ થયો હતો તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. મામલો ઉગ્ર બનતા અન્ય વિપક્ષી સાંસદોએ તાત્કાલિક વચ્ચે પડીને બંને પક્ષોને શાંત કરાવવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ કલ્યાણ બેનર્જી ગૃહમાંથી બહાર ચાલ્યા ગયા હતા.

  • સ્પીકર સમક્ષ પહોંચી ગંભીર ફરિયાદ

આ ઘટના બાદ કાકોલી ઘોષ દસ્તીદાર, શતાબ્દી રાય અને NCPI ના અન્ય કેટલાક મહિલા સાંસદો સીધા લોકસભા સ્પીકર ઓમ બિરલાના કાર્યાલય (કક્ષ) પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની ગંભીર મૌખિક રજૂઆત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પીકરે આ મામેલ તમામ સાંસદો પાસે સમગ્ર ઘટનાક્રમની લિખિત ફરિયાદ માંગ કરી હતી. સત્તાવાર ફરિયાદમાં એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે કલ્યાણ બેનર્જીએ ગૃહની અંદર કાકોલી ઘોષ, શતાબ્દી રાય સહિતની મહિલા સાંસદો વિરુદ્ધ અપશબ્દો (આપત્તિજનક ભાષા) નો ઉપયોગ કર્યો હતો અને તેમની સાથે અસભ્ય વર્તન તેમજ દુર્વ્યવહાર કર્યો હતો.

  • સંસદીય કાર્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે મૂક્યો સસ્પેન્શનનો પ્રસ્તાવ

મહિલા સાંસદો સાથેના આ અસભ્ય વર્તનના મામલાને અત્યંત ગંભીર ગણતા, કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે ગૃહમાં સત્તાવાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કલ્યાણ બેનર્જી દ્વારા ગૃહની મર્યાદા ભંગ કરીને મહિલા સાંસદો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, તેથી તેમને આ ગંભીર શિસ્તભંગ બદલ સમગ્ર ચોમાસુ સત્રની બાકી રહેલી અવધિ માટે સસ્પેન્ડ કરવામાં આવે. આ પ્રસ્તાવ રજૂ થયા બાદ લોકસભા સ્પીકરે તેના પર ગૃહમાં મતદાન કરાવ્યું હતું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્પીકરે જાહેરાત કરી હતી કે આ પ્રસ્તાવને બહુમતીથી સ્વીકારી લેવામાં આવ્યો છે અને કલ્યાણ બેનર્જીને ચોમાસુ સત્રની શેષ અવધિ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. આ સાથે જ તેમને તાત્કાલિક અસરથી સંસદ પરિસરમાંથી બહાર ચાલ્યા જવાના સખત નિર્દેશો આપવામાં આવ્યા હતા. આ હંગામાપૂર્ણ ઘટનાક્રમ બાદ લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code