Site icon Revoi.in

I-Create એ ભારતના યુવાઓના નવોન્મેષ સપનાઓને સાકાર કરવાનો મંચ : ઋષિકેશ પટેલ

Social Share

ગાંધીનગરઃ અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, I-Create એ ભારતના યુવાઓના નવોન્મેષ-સપનાઓને સાકાર કરવાનો મંચ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દાયકા પૂર્વે રિસર્ચ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માટે વાવેલું બીજ આજે I-Create રૂપે વટવૃક્ષ બન્યું છે.  

મંત્રીએ કહ્યું કે, દેશના જન સામાન્યને ઉપયોગી થાય એવા સંશોધનો ઉત્પાદનો બનાવતી સ્ટાર્ટઅપ કંપનીઓ આઈ-ક્રિએટના માધ્યમથી આગળ આવી રહી છે. રિસર્ચ અને ઇનોવેશનની આખી એક ઇકો સિસ્ટમ ઊભી કરીને ભારતને ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રી બનાવવાની આપણી નેમ છે. અમદાવાદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત યુવા સ્વાભિમાન દિવસની ઉજવણી બાવળાના દેવધોલેરા ગામ સ્થિત આઈ-ક્રિએટ પરિસરમાં થઈ હતી. આ અવસરના મુખ્ય અતિથિ રૂપે જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે રાષ્ટ્રનિર્માણમાં આઈ-ક્રિએટ સંસ્થાની ભૂમિકા વર્ણવી હતી.  મંત્રીએ બાવળા તાલુકાને 11.86 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ પણ આપી હતી. 

ઋષિકેશ પટેલે કહ્યું કે, પ્રત્યેક જિલ્લા તાલુકાની અલગ ભૌગોલિક સ્થિતિ, સંસ્કૃતિને આધારે અલગ અને આગવું વિકાસ મોડલ વિકસાવવાની પરિપાટી વડાપ્રધાનશ્રીએ આપી છે. દરિયાઈ વિસ્તાર, આદિવાસી વિસ્તાર, વનવિસ્તાર અને શહેરી- ગ્રામીણ વિસ્તારોને અનુરૂપ વિકાસનીતિ સરકારે અપનાવી છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે અનેક પડકારો સામે રાજ્ય જજુમી રહ્યું હતું. ગુજરાતને તમામ પડકારો પાર કરાવીને નરેન્દ્ર મોદીએ વીજળી ,પાણી ,રસ્તા, આરોગ્ય અને  શિક્ષણની પાયાની સુવિધાઓથી માંડીને વૈશ્વિક વિકાસના પ્રકલ્પો આપ્યા છે. 

તેમણે વધુમાં કહ્યું કે , વર્ષ 2001માં ગુજરાતની ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ- GSDP 1.23 લાખ કરોડ હતી જે વધીને હવે 22.03 લાખ કરોડ થઈ છે. રાજ્યની માથાદીઠ આવક ₹. 19 હજાર હતી જે હવે વધીને ₹. 2.75 લાખ રૂપિયા થઈ છે. 2001માં રાજ્ય સરકારનું બજેટ માત્ર ₹. 36000 કરોડ રૂપિયા હતું તે વધીને ₹. 3.33 લાખ કરોડ રૂપિયા થયું છે.