1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના ST નિગમના કર્મચારીના પ્રશ્નો નહીં ઉકેલાય તો 16મી જૂનથી હડતાળની ચીમકી
ગુજરાતના ST નિગમના કર્મચારીના પ્રશ્નો નહીં ઉકેલાય તો 16મી જૂનથી હડતાળની ચીમકી

ગુજરાતના ST નિગમના કર્મચારીના પ્રશ્નો નહીં ઉકેલાય તો 16મી જૂનથી હડતાળની ચીમકી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં એસટી નિગમના કર્મચારીઓએ પણ સરકાર સામે બાંયો ચડાવી છે. કર્મચારીઓના યુનિયનો દ્વારા પડતર પ્રશ્નો  ઉકેલવાની સરકાર સમક્ષ અગાઉ અનેક વખત રજુઆતો પણ કરવામાં આવી હતી છતાં પણ પ્રશ્નો ન ઉકેલાતા એસટીના કર્મચારીઓએ 16મી જુનથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે. એટલે કે સરકાર માગણી નહીં સ્વીકારે તો 16મીથી એસટી બસના પૈડા ફરતા બંધ થઈ જશે. અને મુસાફરો મુશ્કેલીમાં મુકાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગન (એસટી)ના કર્મચારીઓ પડતર પ્રશ્નો ઉકેલવાની માગણી ઘણા સમયથી કરી રહ્યા છે. હવે કર્મચારીઓએ 16મી જુનથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપી છે. તા. 9 જૂનથી એસટીના કર્મચારીઓ ફરીથી પોતાનું આંદોલન જીવિત કરી વિવિધ કાર્યક્રમો આપી પોતાનો વિરોધ નોંધાવશે. તેમ છતાંય જો ઉકેલ ન આવે તો આગામી 16મી જૂનથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી પણ કર્મચારી મંડળના સંકલન સમિતિએ દર્શાવી છે. અગાઉ ઓક્ટોબર 2021માં નિગમના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઇને આંદોલન કર્યું હતું. જોકે રાજ્ય સરકાર દ્વારા તેમની માંગણીને હકારાત્મક નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. તેમ છતાં હજુ કોઈ નિવેડો ન આવતાં ફરીથી પોતાનું આંદોલન સક્રિય કરશે.

ગુજરાત એસટી કર્મચારી મંડળ અને યુનિયનની સંયુક્ત સંકલન સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત વાહનવ્યવહાર વિભાગના વિવિધ માંગણીઓને લઇને આગામી 9 જૂનથી અલગ-અલગ આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરી છે. જેમાં 9 અને 10 જૂને કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરશે. 11 અને 12 જૂનના રોજ નિગમના કર્મચારીઓ પોતાના નિયત યુનિફોર્મ પહેર્યા સિવાય કામગીરી કરી વિરોધ નોંધાવશે. 13 અને 14 મી જુનના રોજ કર્મચારીઓ પોતાના કામગીરીના સ્થળ પર રિશેષના સમયે સૂત્રોચ્ચાર કરશે. 14મી જૂનના રોજ એસટી નિગમના કર્મચારીઓ સોશિયલ મીડિયા મારફતે પોતાની માગને લઈ આંદોલનને વેગવંતુ બનાવવાનો પ્રયાસ કરશે. 15મી જૂનના રોજ નિગમના કર્મચારીઓ પોતાના ખૂનથી વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખીને પોતાની વેદના રજૂ કરી પોતાની માગ સંતોષવા માટે રજૂઆત કરશે. તેમ છતાં જો નિકાલ ન આવે તો 16મી જૂનથી અચોક્કસ મુદતની હડતાળ પર જશે.

એસટી નિગમના સંગઠનની માંગ છે કે વર્ષ 2018 બાદ ભરતી થયેલા કંડક્ટર અને ડ્રાઈવરનો પગાર ગ્રેડ પે સાતમા પગાર પંચ મુજબ ચૂકવવામાં માટે. આ માટે વર્ષ 2021માં સમાધાન થઈ ગયેલું હોવા છતાં પણ હજુ તેનો અમલ કરવામાં આવતો નથી. નિગમના કર્મચારીઓને મોઘવારી ભથ્થુ ચુકવવામાં આવે. 900થી વધારે જેટલા વારસદારો, કે જેઓ 2011 પહેલા અવસાન પામેલા છે, તેમને નોકરી આપવામાં આવે અને 2011 બાદ અવસાન પામેલા કર્મચારીઓને રોકડ સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ કર્મચારી મંડળ, એસટી કર્મચારી મહામંડળ, એસટી મજદૂર મહાસંઘ, એમ 3 સંગઠનો એ મળી વિવિધ મુદ્દાઓ તૈયાર કર્યા છે. જેમાં એસ.ટી વિભાગમાં કાર્યરત કર્મચારીઓ નિગમના કર્મચારી તરીકે ગણવામાં આવે છે, પરંતુ તેમને સીધા સરકારી કર્મચારી ગણવા માટેની માંગ પણ કરવામાં આવી છે. સાથે સાથે કોરોના દરમિયાન ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલ કર્મચારીઓને આર્થિક પેકેજ આપવામાં આવે. ઉપરાંત નિગમને મળતા ડીઝલમાં વેટને નાબુદ કરવામાં આવે, જેથી નિગમને ડીઝલ પરવડે અને નિગમને થતું નુકસાન અટકે શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code