1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઊના પંથકમાં લાઈમસ્ટોન ખાણોમાં ગેરકાયદે ખનન, પોલીસે ત્રણ સ્‍થળોએ દરોડો પાડતા ફફડાટ
ઊના પંથકમાં લાઈમસ્ટોન ખાણોમાં ગેરકાયદે ખનન, પોલીસે ત્રણ સ્‍થળોએ દરોડો પાડતા ફફડાટ

ઊના પંથકમાં લાઈમસ્ટોન ખાણોમાં ગેરકાયદે ખનન, પોલીસે ત્રણ સ્‍થળોએ દરોડો પાડતા ફફડાટ

0
Social Share

ઊનાઃ ગીર સોમનાથ જિલ્‍લામાં ખાણ ખનીજ વિભાગના કથિત ભ્રષ્ટાચારને લીધે બેરોકટોક ખનીજચોરી થઈ રહી છે. આથી ખનીજની ચોરીને ડામવા માટે નવનિયુકત પોલીસવડાએ આદેશ કરતા ખાણ ખનીજ વિભાગને અંઘારામાં રાખી એએસપીના નેતૃત્‍વમાં પોલીસ ટીમોએ જિલ્‍લાના ઉના પંથકમાં ગતરાત્રીના ત્રણ ગેરકાયદેસર ચાલતી બિલ્‍ડીંલ લાઇમ સ્‍ટોનની ખાણો ઝડપી પાડતા ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે દરોડામાં 11 કટર મશીનો, 4 ટ્રેક્ટરો અને 1 ટ્રોલી મળી રૂ.27.50 લાખનો મુદામાલ જપ્‍ત કર્યો છે. આ દરોડામાં અંદાજે રૂ.13.60 લાખની કિંમતના ખનીજની ચોરી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઊના તાલુકાના ગામડાંઓમાં બેરોકટોક ખનન ચોરી કરવામાં આવી રહી છે. આથી પોલીસે સાગમટે દરોડા પાડ્યા હતા. અને 27 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને બોલાવતા વધુ તપાસ ચાલી રહી હોય જે પૂર્ણ થયા બાદ ખનીજચોરીનો સાચો આંકડો સામે આવશે. ગેરકાયદેસર ખાણોમાં વીજ કનેકશનો પણ બારોબારથી ગેરકાયદેસર રીતે લઇ વિજ પુરવઠો વપરાતો હોવાનું સામે આવતા પીજીવીસીએલને પણ જાણ કરવામાં આવી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્‍લામાં મોટાપાયે બેરોકટોક ખનીજ ચોરી થતી હોવાની વ્‍યાપક ચર્ચાઓ અંગે પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ લાલઆંખ કરી કડક કાર્યવાહી કરવાના આદેશ કર્યા હતા. જેને લઇ એએસપીના નેતૃત્‍વમાં એલસીબીના પીએસઆઇ કે.જે.ચૌહાણ અને ઊનાના પીઆઇ એમ.યુ.મસીના નેતૃત્‍વમાં પોલીસની જુદી-જુદી ટીમોએ ગતરાત્રીના જિલ્‍લાના ઊના પંથકમાં ધમધમતી ગેરકાયદેસર ખાણો ઉપર કાર્યવાહી કરી હતી.

આ અંગે માહિતી આપતા એએસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે, ઊના પંથકમાં ગતરાત્રી દરમિયાન ત્રણ સ્‍થળોએ દરોડા પાડી ત્રણ જેટલી ગેરકાયદેસર ચાલી રહેલી બિલ્‍ડીંગ લાઇમ સ્‍ટોનની ખાણો ઝડપી લેવામાં આવી છે. જેમાં પ્રથમ ઊના નજીક કરબલા નામની જગ્યાની પાછળ આવેલી વાડીના માલીક યુસુફ મહમદભાઇ ધાંચીની કબ્જા ભોગવટાની સર્વે નં.100 પૈકી 10 અને 13 વાળીમાં જમીનમાં મંજૂર લીઝના બદલે અન્ય સ્‍થળે ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઈમ સ્ટોનનું ખનન કરતા હતા. સ્‍થળ પરથી પથ્થર કાપવાની 5 ચકરડી (કટર મશીન) કી.રૂ.5 લાખ તથા 3 ટ્રેકટર ટ્રોલી કી.રૂ.15 લાખનો મુદામાલ જપ્‍ત કર્યો હતો. જયારે બીજો દરોડો ઉનાથી વરસીંગપુર ગામ તરફ જતા રોડની બાજુમાં આવેલી વાડી માલીક સાર્દુલભાઇ નાજાભાઇ મકવાણાની કબ્જા ભોગવટાની સર્વે નં.405 પૈકી 2 અને 1 વાળી જમીનમાં (1) સલીમભાઇ ઇશાભાઇ જમરોટ રહે.ઉના (2) મોહનભાઇ વિરમભાઇ ટીંબા રહે.બાંટવા જી.જૂનાગઢ વાળાઓએ કોઇપણ જાતની મંજૂરી વગર બિલ્ડીંગ લાઇમ સ્ટોનનું ખનન થતી ખાણ ઝડપી લીધી હતી. સ્‍થળ પરથી 3 ચકરડી કી.રૂ.3 લાખ, 1 ટ્રેક્ટરની ટ્રોલી કી.રૂ.1.50 લાખની જપ્‍ત કરી છે. આ સ્‍થળેથી અંદાજે કી.રૂ.13.60 લાખની કિંમતના ખનીજની ચોરી થઈ હોવાનું પ્રાથમિક તપાસ બાદ અનુમાન વ્‍યકત કરાયું છે.

ત્રીજો દરોડો ઉના પંથકના એલમપુર ગામના સર્વે નં.217 પૈકી-2 માં લીઝ હોલ્ડર સુલેમાન અલી મહમદ પોતાની કબ્જા ભોગવટાની જમીનમાં મંજૂર લીઝના બદલે બહાર અન્ય સ્‍થળે ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમ સ્ટોનનું ખનન કરતા હોવાનું સામે આવ્યું હતું. આ સ્‍થળેથી 3 ચકરડી કી.રૂ.3 લાખની જપ્‍ત કરવામાં આવી છે.

એએસપી જાટે વધુમાં જણાવ્યું હતું કે, દરોડા અંગે આગળની કાર્યવાહી થવા માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરી રીપોર્ટ કરવામાં આવ્યો છે. જયારે પકડાયેલા ત્રણેય ખાણોમાં ગેરકાયદેસર રીતે વીજ કનેકશનોનો ઉપયોગ થતો હોવાનું દરોડામાં જાણવા મળ્યું હોવાથી પીજીવીસીએલ તંત્રને પણ જાણ કરવામાં આવી છે. નવનિયુકત પોલીસવડાના આદેશથી ખનીજચોરો સામે થયેલી એકાએક કાર્યવાહીના પગલે ફફડાટ પ્રસર્યો છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code