
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતિઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની વાત જગજાહેર છે અને દુનિયાના અનેક દેશોએ આ મામલે પાકિસ્તાનને ટકોર કરી છે પરંતુ અત્યાચારના બનાવો અટકાવવાના બદલે દેશ-દુનિયામાં ભારતની વિરોધમાં દુષપ્રચાર કરવાની તક ગુમાવતું નથી. પાકિસ્તાનના રાજકારણીઓ ઇસ્લામોફોબિયા પર વિશ્વને જ્ઞાન આપી રહ્યા છે. ન્યૂયોર્કમાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન આવો જ નજારો જોવા મળ્યો હતો. UNGA સત્રને સંબોધતા પાકિસ્તાનના નવા વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારત પર ખોટા આરોપો લગાવ્યા હતા.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલે કહ્યું હતું કે, ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે. એટલું જ નહીં, બિલાવલે એવો પણ દાવો કર્યો હતો કે ભારત હવે હિંદુ બહુમતી દેશ બની ગયો છે. બિલાવલ ભુટ્ટો ઝરદારીએ વિશ્વના સૌથી મોટા મંચ પરથી ખોટું બોલ્યા અને કહ્યું કે પાકિસ્તાન લઘુમતીઓના અધિકારોની સુરક્ષા માટે તમામ પગલાં લઈ રહ્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં દરેકને ધાર્મિક સ્વતંત્રતા છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની વિશેષ બેઠકને સંબોધતા બિલાવલે કહ્યું કે લઘુમતીઓના અધિકારોનું રક્ષણ એ પાકિસ્તાનમાં માનવાધિકારના રક્ષણનો મૂળભૂત સિદ્ધાંત છે. જોકે, તેમણે એ વાતનો ખુલાસો કર્યો નથી કે પાકિસ્તાનમાં હિન્દુઓની સંખ્યા આટલી ઝડપથી કેમ ઘટી રહી છે. બિલાવલે કહ્યું કે કરતારપુર કોરિડોર આંતર-ધાર્મિક સૌહાર્દ માટેના અમારા પ્રયાસોનું પ્રતિબિંબ છે અને આશાનો કોરિડોર છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન દર વર્ષે 11 ઓગસ્ટે લઘુમતી સંરક્ષણ દિવસ મનાવે છે. આ પહેલીવાર છે જ્યારે શાહબાઝ શરીફ સરકારે ઈમરાન ખાન દ્વારા કરવામાં આવેલા કોઈપણ કામને સ્વીકાર્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનના બ્રાન્ડિંગ તરીકે તેનો ઉપયોગ કરી રહી છે. ભારતમાં લઘુમતીઓ વિશે વાત કરતાં, પીપીપી પ્રમુખે ખોટો દાવો કર્યો હતો કે ભારત એક સમયે ધર્મનિરપેક્ષ રાજ્ય હતું, પરંતુ હવે તે હિન્દુ બહુમતી ધરાવતો દેશ બની રહ્યો છે.