નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ એનર્જી ટ્રાન્ઝિશન પર જી-20 સમિટના ત્રીજા સત્રને સંબોધિત કર્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ બધા માટે સ્વચ્છ અને ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરવાના પ્રયાસોને વેગ આપવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ, વન વર્લ્ડ-વન સન-વન ગ્રીડ અને ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ જેવા પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી માટે સિદ્ધાંતો અને પગલાંના મહત્વ પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે નવી દિલ્હી જી-20 સમિટ દરમિયાન, જૂથે 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઉર્જા અને ઊર્જા કાર્યક્ષમતા દરો બમણી કરવાનો સંકલ્પ કર્યો હતો. તેઓએ ટકાઉ વિકાસની પ્રાથમિકતાઓને આગળ ધપાવવાના બ્રાઝિલના નિર્ણયને આવકાર્યો.
પ્રધાનમંત્રી મોદીએ તેમના સંબોધનમાં ટકાઉ વિકાસને વેગ આપવાના ભારતના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પેરિસ સંધિની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરનાર ભારત સમૂહમાં પહેલો દેશ છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેમાંથી 200 ગીગાવોટનું ઉત્પાદન થયું છે. તેમણે અવિકસિત અને વિકાસશીલ દેશો, ખાસ કરીને નાના ટાપુ રાજ્યોની ટકાઉ વિકાસ જરૂરિયાતોને પ્રાધાન્ય આપવાનું આહ્વાન કર્યું હતું. તેમણે સભ્ય દેશોને ગ્લોબલ સાઉથ સમિટમાં ભારત દ્વારા જાહેર કરાયેલા વૈશ્વિક વિકાસ કરારને સમર્થન આપવા વિનંતી કરી હતી.