Homeગુજરાતીઅફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હવાઈ હુમલાની ભારત દ્વારા આકરી નિંદા: હોસ્પિટલ પર હુમલો એ...

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હવાઈ હુમલાની ભારત દ્વારા આકરી નિંદા: હોસ્પિટલ પર હુમલો એ જધન્ય ગુનો

નવી દિલ્હી, 17 માર્ચ 2026: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે. ભારતે આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરતા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર આડેહાથ લીધું છે. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈ પણ ધર્મ કે કાયદો હોસ્પિટલ જેવી સંસ્થાઓ પર હુમલાને યોગ્ય ઠેરવી શકે નહીં.

ભારતીય વિદેશ મંત્રાલયે જારી કરેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, “આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ગુનાહિત કૃત્યના દોષિતોને જવાબદાર ઠેરવવા જોઈએ. અફઘાનિસ્તાનમાં નિર્દોષ નાગરિકોને મનસ્વી રીતે નિશાન બનાવવાનો સિલસિલો તાત્કાલિક બંધ થવો જોઈએ તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.”

ભારતે આ હુમલામાં જીવ ગુમાવનારા પરિવારો પ્રત્યે ઘેરી સંવેદના વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે ઉમેર્યું હતું કે, “ભારત શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરે છે અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરે છે. આ દુઃખદ ઘડીમાં ભારત અફઘાનિસ્તાનની જનતા સાથે અતૂટ એકતા સાથે ઊભું છે. અમે અફઘાનિસ્તાનની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતા પ્રત્યેના અમારા મજબૂત સમર્થનને ફરી એકવાર દોહરાવીએ છીએ.”

અત્રે ઉલ્લેખનીય છે કે, કાબુલમાં નશા મુક્તિ કેન્દ્ર (હોસ્પિટલ) પર થયેલા આ હુમલામાં સેંકડો લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ હુમલા બાદ ભારતનું આ નિવેદન આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું મહત્વનું માનવામાં આવે છે. ભારતે હંમેશા અફઘાનિસ્તાનની શાંતિ અને સ્થિરતાની તરફેણ કરી છે અને કોઈપણ પ્રકારના સીમા પારના આતંકવાદ કે હવાઈ ઉલ્લંઘનનો વિરોધ કર્યો છે.

આ પણ વાંચોઃ શ્રીલંકામાં ગંભીર ઇંધણ સંકટ: હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ કામ થશે

સંબંધિત લેખો

Most Popular