મહિલા એશિયા કપ હોકીની ફાઇનલમાં ભારત ચીન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે સાડા પાંચ વાગ્યે રમાશે.ગઈકાલે ભારત અને વર્તમાન ચેમ્પિયન જાપાન વચ્ચેની સુપર ફોર મેચ એક-એક ગોલ સાથે ડ્રો રહી. ભારતે સુપર ફોર તબક્કામાં દક્ષિણ કોરિયાને 4-2થી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ ચીન સાથેની બીજી મેચમાં તેને 4-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ચીન ફાઇનલમાં પહોંચ્યું અને ભારત, કોરિયા અને જાપાનને ફાઇનલમાં પહોંચવા માટે સ્પર્ધા કરવી પડી.
કોરિયા ચીન સામે હાર્યા બાદ, ભારતનો ફાઇનલમાં પહોંચવાનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો. એશિયા કપ જીતનારી ટીમ આવતા વર્ષે બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં યોજાનારા વિશ્વ કપ માટે ક્વોલિફાય થશે.

