1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકા-ઈરાન વચ્ચે 2 સપ્તાહના યુદ્ધવિરામના નિર્ણયને ભારતે આવકાર્યો
અમેરિકા-ઈરાન વચ્ચે 2 સપ્તાહના યુદ્ધવિરામના નિર્ણયને ભારતે આવકાર્યો

અમેરિકા-ઈરાન વચ્ચે 2 સપ્તાહના યુદ્ધવિરામના નિર્ણયને ભારતે આવકાર્યો

0
Social Share

નવી દિલ્હી, 8 એપ્રિલ 2026: છેલ્લા એક મહિનાથી વધુ સમયથી મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો ભીષણ જંગ હાલ પૂરતો થંભી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે બે સપ્તાહના યુદ્ધવિરામ (સીઝફાયર) ની જાહેરાત કરી છે, જેના પર તેહરાને પણ પોતાની સંમતિ આપી દીધી છે. આ મહત્વપૂર્ણ ઘટનાક્રમનું પાકિસ્તાન સહિત વિશ્વના અનેક દેશોએ સ્વાગત કર્યું છે, જ્યારે ભારતે આશા વ્યક્ત કરી છે કે આ નિર્ણય આ ક્ષેત્રમાં કાયમી શાંતિ સ્થાપવા તરફનું એક મહત્વનું પગલું સાબિત થશે.

ભારતના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, “અમે થયેલા યુદ્ધવિરામનું સ્વાગત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેનાથી પશ્ચિમ એશિયામાં સ્થાયી શાંતિ જપાશે.” મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે ભારત હંમેશા એ વાત પર ભાર મૂકતું આવ્યું છે કે કોઈપણ સંઘર્ષનો ઉકેલ માત્ર તણાવ ઘટાડીને, સંવાદ અને કૂટનીતિના માધ્યમથી જ શક્ય છે.

વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી હતી કે લાંબા સમયથી ચાલી રહેલા આ સંઘર્ષે સામાન્ય લોકોને ભારે પીડા આપી છે અને વૈશ્વિક ઊર્જા પુરવઠા તથા વ્યાપાર નેટવર્કને ખોરવી નાખ્યું છે. ભારતે ખાસ કરીને ‘હોર્મુઝની સામુદ્રધુની’ નો ઉલ્લેખ કરતા આશા વ્યક્ત કરી હતી કે હવે ત્યાંથી જળમાર્ગે થતો વૈશ્વિક વેપાર નિર્બાધ રીતે ચાલુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર સંયુક્ત સૈન્ય હુમલા કર્યા હતા, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સહિત અનેક વરિષ્ઠ નેતાઓના મોત નિપજ્યા હતા. ત્યારથી બંને પક્ષો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. અહેવાલો મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે રાત્રે 8 વાગ્યા સુધીમાં ઈરાનને નેસ્તનાબૂદ કરવાની સમયમર્યાદા આપી હતી, પરંતુ આ વિનાશક ડેડલાઈન પૂરી થવાના માત્ર 8 કલાક પહેલા જ બંને દેશો યુદ્ધવિરામ માટે સહમત થયા હતા. આ 40 દિવસીય યુદ્ધે સમગ્ર વિશ્વને આર્થિક અને સામરિક રીતે ચિંતામાં મૂકી દીધું હતું, ત્યારે હવે 2 સપ્તાહના વિરામથી શાંતિની આશા જન્મી છે.

આ પણ વાંચોઃ ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરની યાદો તાજી કરાવી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code