પાકિસ્તાન ખાસ મિત્ર તુર્કી, અઝરબૈજાન અને બાંગ્લાદેશ સાથેના સંબંધો સુધારવાના ભારતના પ્રયાસો
નવી દિલ્હી, 9 એપ્રિલ 2026: એક તરફ આર્થિક અને આંતરિક કટોકટીમાં ફસાયેલું પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર બાદ શાંતિ સ્થાપવા માટે બંને દેશોના નેતાઓની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભારત ફૂંક માર્યા વગર પાકિસ્તાનના પરમ મિત્ર ગણાતા દેશો સાથેના સંબંધો સુધારીને રાજદ્વારી ચેકમેટ આપી રહ્યું છે. ભારત અત્યારે અઝરબૈજાન, તુર્કી, બાંગ્લાદેશ અને યુએઈ જેવા દેશો સાથે સંબંધોને નવા સ્તરે લઈ જઈ રહ્યું છે.
બાંગ્લાદેશમાં શેખ હસીનાના ગયા બાદ અને વચગાળાની સરકાર દરમિયાન ભારતના સંબંધોમાં ભારે ખટાસ આવી હતી. જોકે, ફેબ્રુઆરીમાં થયેલી સંસદીય ચૂંટણી બાદ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી સત્તામાં આવતા જ ચિત્ર બદલાયું છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાન ભારતની મુલાકાતે આવ્યા છે. ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાતમાં બંને દેશોએ જૂના તણાવને પાછળ છોડી સહયોગના નવા માર્ગ પર ચાલવાની ખાતરી આપી છે. યુનુસના કાર્યકાળમાં બાંગ્લાદેશનો ઝુકાવ પાકિસ્તાન તરફ વધ્યો હતો, જે હવે ફરી ભારત તરફ વળતો દેખાય છે.
કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરનાર અને મુસ્લિમ દેશોનો નેતા બનવાની મહત્વકાંક્ષા રાખનાર તુર્કી સાથે પણ ભારતે બરફ ઓગાળવાની શરૂઆત કરી છે. દિલ્હીમાં યોજાયેલી 12મા રાઉન્ડની ફોરેન ઓફિસ કન્સલ્ટેશન (FoC) બેઠકમાં ભારત અને તુર્કીએ દ્વિપક્ષીય સંબંધોને પુનઃસ્થાપિત કરવા પર ભાર મૂક્યો હતો. અગાઉ 2022 માં આ વાટાઘાટો થઈ હતી. મે મહિનામાં ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને તુર્કીએ આપેલા લશ્કરી સમર્થનથી બંને દેશો વચ્ચે તણાવ ટોચ પર હતો, જે હવે ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે.
અઝરબૈજાન જે હંમેશા પાકિસ્તાનનો વફાદાર સાથી રહ્યો છે અને ‘ઓપરેશન સિંદૂર’માં પાકિસ્તાન સાથે ઊભો હતો, તેના પ્રત્યે ભારતીય જનતામાં ભારે રોષ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર અઝરબૈજાનના બહિષ્કારની ઝુંબેશ પણ ચાલી હતી. જોકે, મધ્ય પૂર્વના સંકટ સમયે અઝરબૈજાને ઈરાનમાં ફસાયેલા 215 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી હતી. ભારતના નવનિયુક્ત રાજદૂત અભય કુમારે આ બદલ અઝરબૈજાનનો આભાર વ્યક્ત કરીને સંબંધો સુધારવાની દિશામાં કદમ વધાર્યું છે.
વિદેશ મંત્રી એસ. જયશંકર 11-12 એપ્રિલ દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રવાસે જઈ રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર બાદ પ્રાદેશિક સ્થિરતા માટે આ મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ઉર્જા પ્રવાહને સુરક્ષિત કરવો અને ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ આ મુલાકાતના મુખ્ય એજન્ડા છે. યુએઈ એવો દેશ છે જેણે ભારત અને પાકિસ્તાન બંને સાથે સંતુલિત સંબંધો જાળવી રાખ્યા છે.
ભારતની આ આક્રમક છતાં સમજદારીભરી રાજદ્વારી ચાલ સ્પષ્ટ કરે છે કે દિલ્હી હવે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પાડવા માટે તેના સૌથી નજીકના મિત્રોને જ પોતાની બાજુ કરી રહ્યું છે. તુર્કી અને અઝરબૈજાન જેવા દેશો સાથેનો સંવાદ ભારતની વધતી વૈશ્વિક શક્તિનો પુરાવો છે.


