1. Home
  2. ગુજરાતી
  3. સ્પેસ પાવરની રેસમાં ભારતની હરણફાળ
સ્પેસ પાવરની રેસમાં ભારતની હરણફાળ

સ્પેસ પાવરની રેસમાં ભારતની હરણફાળ

0
Social Share

(સ્પર્શ હાર્દિક)

ચંદ્રયાન-૩ની સફળતાએ દેશભરમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જન્માવ્યું છે અને ઇસરોની આ સિદ્ધિને વિશ્વભરમાં સૌએ વધાવી લીધી છે. જોકે, ‘ભારત જેવા દેશે આવા કાર્યો પાછળ પૈસા ના ખર્ચવા જોઈએ, આપણને આવું ના પોસાય, આપણે ત્યાં બીજી કેટલીયે સમસ્યાઓ છે એને પહેલાં ઉકેલો’, એવા કકળાટિયા અવાજો પણ અગાઉની જેમ ક્યાંક ક્યાંક ઊઠ્યા અને મરી ગયા. જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રે પોતાનો દેશ કોઈ સિદ્ધિ હાંસલ કરે ત્યારે એના પર ગર્વ લેવાનો જ હોય. અને દેશ આપણો હોય કે બીજાનો, સમસ્યાઓ તો ક્યારેય ખતમ થતી નથી. અમેરિકામાં ગન કલ્ચર અને શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા થતી હત્યાઓ વિશે આખી દુનિયા જાણે છે, પરંતુ નાસા કોઈ સિદ્ધિ હાંસલ કરે ત્યારે નાસાને એ માટે દોષી ઠેરવી એને નીચી દેખાડવાની કુબુદ્ધિ કોઈ આચરતું નથી. એ જ રીતે, આપણા દેશની જે સમસ્યા માટે ઇસરો જવાબદાર નથી, એ સમસ્યાઓનો કકળાટ ઇસરોની સફળતાના સંદર્ભમાં એને અર્થહીન દેખાડવાની વૃત્તિ ધરાવતા મનુષ્યોને સદ્બુદ્ધિ મળે એવી પ્રાર્થના કરવા સિવાય કશું કહેવાનું રહેતું નથી. ભારત રત્ન અબ્દુલ કલામની આત્મકથા અથવા અન્ય પુસ્તકો દ્વારા જેમણે ઇસરોના આરંભના વર્ષોના સંઘર્ષ વિશે જાણ્યું હશે, એમને ખ્યાલ હશે કે ત્યારથી લઈને ચંદ્રયાન-૩ સુધીની યાત્રા કેટલી પ્રેરણાદાયી અને જુસ્સો જગાડનારી છે. હોમી ભાભા, વિક્રમ સારાભાઈ, સતીશ ધવન, અને જાણીતા-અજાણ્યા કેટલાયે અદ્ભુત મનુષ્યોને કારણે ભારતનો સ્પેસ પ્રોગ્રામ એક સન્માનજનક ઊંચાઈ સુધી આવી પહોંચ્યો છે. નંબી નારાયણ જેવા વિદ્વાન સાથે જે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ થઈ એ ‘રોકેટ્રી’ ફિલ્મમાં આપણે જોઈ છે. એમણે પણ સ્પેસ પ્રોગ્રામમાં જે યોગદાન આપ્યું એ અમૂલ્ય છે.

ચંદ્રયાન-૩ની સમાંતરે રશિયા પણ દોડ લગાવી રહ્યું હતું, દુર્ભાગ્યપણે એને સફળતા ન મળી અને હવે ચીન પણ પાવરફુલ દેખાવા આ ક્ષેત્રે ઊંચુંનીચું થવાનું જ. યુરોપિયન યુનિયનની સ્પેસ એજન્સી ક્યાંક આ ચર્ચાઓમાં વિસરાઈ ગઈ છે અને એની સામે પણ હવે જલદી જ કંઈક કરી દેખાડવાનો પડકાર આવશે. આ સાથે, યુએસએ અને સોવિયેત યુનિયન વચ્ચે વીસમી સદીમાં જે રીતે સ્પેસ રેસ ચાલી હતી, એના અઘોષિત બીજા ચરણની જાણે શરૂઆત થઈ ચૂકી છે. 

બીજા વિશ્વયુદ્ધ પછી શરૂ થયેલ કોલ્ડ વૉરનો એક મોરચો સ્પેસ રેસ તરીકે મંડાયો હતો, જેમાં સોવિયેત યુનિયન આગળ ન વધી જાય એની ચિંતા અને એના કરતાં પાવરફુલ સાબિત થવાની મહેચ્છાને કારણે યુએસએ એડીચોટીનું જોર લગાવી રહ્યું હતું. પરોક્ષ રીતે એનો ફાયદો આજે ફક્ત આ બે દેશ જ નહીં, આખું જગત મેળવી રહ્યું છે. કૃત્રિમ ઉપગ્રહો વગરની દુનિયા ઘણી પાછળ રહી ગઈ હોત. સ્પેસ રેસની બાયપ્રૉડક્ટ તરીકે પણ નાસા દ્વારા સોલર પૅનલ, વૉટર પ્યુરિફિકેશન, આજના ડિજિટલ કૅમેરામાં આવતા સેન્સર જેવી નાની-મોટી બે હજાર જેટલી ટૅક્નોલોજી શોધાયેલી, જેણે કોઈ ને કોઈ રીતે મનુષ્યોનું જીવન સુધારવા અને સરળ બનાવવામાં યોગદાન આપ્યું. આજે એકવીસમી સદીમાં ફરી જે સ્પેસ રેસ શરૂ થઈ છે, એમાં પણ ફક્ત તાકતનું પ્રદર્શન જ પ્રેરણાબળ નથી બન્યું. એની પાછળનો હેતુ છે મનુષ્યજાતિને વિકાસના આગળના પગથિયા પર લઈ જવી. અલબત્ત, એ સાથે સ્પેસ-ટૅકનું બજાર પણ વિસ્તરણ પામશે, જેમાં ઇસરો જેવી ઓછા ખર્ચમાં કામ પાર પાડી શકતી સંસ્થાઓ ફક્ત ભારતની જરૂરિયાતો પૂરી નહીં પાડે, પરંતુ અન્ય દેશોની જરૂરિયાતો સંતોષીને સારી એવી આવક કમાવી આપશે. 

સવાલ એ છે કે આમાં ભારત કેટલું ઝડપી અને ક્યાં સુધી દોડી શકશે. વીસમી અને એકવીસમી સદીનું વિશ્વ પણ ખાસ્સું પલટાઈ ચૂક્યું છે. આ ક્ષેત્ર સરકારોની પકડમાંથી મુક્ત થઈને પ્રાઇવેટ થઈ રહ્યું છે. ઝડપી અને સુરક્ષિત ઇન્ટરનેટ સુવિધાની કૉર્પોરેટ જગતમાં ખાસ્સી માંગ થઈ રહી છે. પરિણામે ચિક્કાર પૈસા સંઘરીને બેઠેલા લોકો અને કંપનીઓ નવા ઊભરી રહેલાં આ માર્કેટમાં અત્યારથી જ પગ જમાવવા નાની-મોટી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરી અથવા એમને ખરીદી રહી છે. ઇલોન મસ્કની ‘સ્પેસ-ઍક્સ’ અને જૅફ બેઝોસની ‘બ્લ્યુ ઓરીજિન’ જેવી પ્રાઇવેટ કંપનીઓ તો આ સ્પર્ધામાં ક્યારની પ્રવેશી ચૂકી છે. ભારતમાં પણ ઘણી નાની-અજાણી કંપનીઓ ધીમે ધીમે આગળ આવશે અને એક સ્પેસ ઇકો-સિસ્ટમ રચાશે એવો વિશ્વાસ છે. 

અત્યંત ધનાઢ્યોને જ પોસાય એવા સ્પેસ ટ્રાવેલ કે સ્પેસ ટુરિઝમની વાતો જ્યારે સામાન્ય જીવનની હકીકત બને ત્યારે ખરું. હાલ તો એ વાત પર ધ્યાન આપવું જરૂરી કે નવી સ્પેસ રેસથી એકંદરે માનવજાતિને શું ફાયદો થવાનો છે. જીઓસ્ટૅશનરી કૃત્રિમ ઉપગ્રહો આશરે ૩૬,૦૦૦ કિમી અને જીપીએસ જેવી સેવાઓ માટેના કૃત્રિમ ઉપગ્રહો આશરે ૨૦,૦૦૦ કિમી ઊંચાઈએ સ્થાપિત કરાય છે. હજાર-બે હજાર કિમી કરતાં નીચી હાઇટ પર આવેલી કક્ષા ‘લૉ અર્થ ઓરબિટ’ (LEO) કહેવાય. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આશરે ૪૦૦ કિમી ઊંચાઈએ લૉ અર્થ ઓરબિટમાં ભ્રમણ કરે છે. ૪૦૦ કિમી કરતાં ઓછી હાઇટ પરની કક્ષાઓ ‘વેરી લૉ અર્થ ઓરબિટ’ VLEO કહેવાય. LEO/VLEOનું એક નવું માર્કેટ સૌથી પહેલાં ઇન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિ લાવવા તત્પર છે. સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડવા ગ્લૉબલસ્ટાર, ઇરિડિયમ, ઑર્બકોમ, લિન્ક ગ્લોબલ, વિઆસ્ટા કાર્યરત છે. એ સિવાય સ્પેસ-ઍક્સ દ્વારા સ્ટારલિન્ક, બ્લ્યુ ઓરીજિન દ્વારા પ્રોજેક્ટ ક્વાઇપર (અથવા કૈપર) અને રશિયા દ્વારા રોસ્કોઝ્મોઝ લૉન્ચ કરવામાં આવ્યા છે. લંડન સ્થિત વનવૅબ કંપની પણ આવો જ પડકાર પાર પાડવાની તૈયારીમાં છે. એ કોરોના મહામારી પછી ૨૦૨૦માં દેવાળું ફૂંકવાની અણી પર હતી પરંતુ એરટેલની પેરેન્ટ કંપની ભારતી એન્ટરપ્રાઇઝ અને લંડન સરકારે એને ઉગારી લીધી. ભારતી એન્ટરપ્રાઇઝનો હાલ એમાં ત્રીસ ટકા હિસ્સો છે. 

નજીકના ભૂતકાળ પર નજર ફેરવીએ ત્યારે દુનિયા બદલનારી ટેક્નોલોજીઓમાં ભારત ઘણે અંશે પાછળ રહી ગયેલું જણાય છે. ટૅક્નોલોજી કે એને સંલગ્ન અન્ય ક્ષેત્રોમાં પણ છેક આજે ભારતમાં સ્ટાર્ટ-અપ કલ્ચર સારું એવું વિકસ્યું છે. તો પણ, ભારતની ટૅક-કંપનીઓ વિશ્વની અન્ય ટૅક જાયન્ટની બૅક-ઑફિસ કહેવાય છે. અહીં ગુગલ કે એપલ જેવી ક્રાંતિ લાવનાર કંપનીઓ અથવા ચેટ-જીપીટી જેવી શક્તિશાળી એ.આઈ. ન બની શકે એવું ઘણા લોકો હજુ પણ માને છે અને સતત ભારતની ટીકા કરી એને નીચું દેખાડવામાં આનંદ મેળવે છે. પરંતુ સ્પેસ-ટૅક એક એવું ક્ષેત્ર છે જેમાં ભારત અને આપણી ઇસરો જેવી સંસ્થાઓ કાર્યક્ષમતા પુરવાર કરી, આ ક્ષેત્રના અન્ય ખેલાડીઓને હંફાવવા પ્રતિબદ્ધ હોવાના સમયે સમયે પુરાવા આપતી રહે છે. સ્પેસ-ટૅકમાં આપણે વધારે બળવાન થઈશું તો ડિફેન્સમાં આપણો હાથ ઉપર રહેશે, વધારામાં ધીમે ધીમે વિકસી રહેલા અને સ્પેસ પ્રોગ્રામ ન ધરાવતા દેશોને સર્વિસ પ્રોવાઇડ કરીને આવકનો સોર્સ ઊભો કરી શકાશે. અને સૌથી મોટી સફળતા એ હશે કે, આપણા સ્પેસ પ્રોગ્રામની નાની-મોટી સિદ્ધિઓ નવી પેઢીમાં પ્રેરણાની જ્યોત જગાવીને આપણને ભવિષ્યના કલામ, હોમી ભાભા, સારાભાઈ, સતીશ અને નંબી આપશે. 

hardik.sparsh@gmail.com

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code