Site icon Revoi.in

ભારતની સુરક્ષા માટે સાયબર સ્પેસમાં આત્મનિર્ભરતા જરૂરી: એસ. સુંદરી નંદા

Social Share

ગાંધીનગરઃ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે “ચેલેન્જીસ પોઝ્ડ બાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” અંગે યોજાયેલી બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું તા.18મી ઑક્ટોબર, 2024ના રોજ સમાપન થયું હતું. ઉદ્ઘાટન સત્રમાં સુશ્રી એસ. સુંદરી નંદા, વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા)-ગૃહ મંત્રાલય, ભારત સરકાર, રાજીવ કુમાર શર્મા, DG-BPR&D,અભિષેક સિંઘ, અધિક સચિવ-MeitY અને ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ-NFSU એ કાયદાના અમલીકરણ અને તપાસ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સંચાલન કરતા વિષયો ઉપર વિશેષ વક્તવ્ય આપ્યું હતું. તેઓએ AI સંબંધિત ઉપયોગ, પોલીસિંગ અને ફોરેન્સિક્સ અંગે મહત્ત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા.

સુશ્રી એસ. સુંદરી નંદા, વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા)-ગૃહ મંત્રાલય, ભારત સરકાર અને ઉદ્ઘાટન સમારોહના મુખ્ય અતિથિએ જણાવ્યું હતું કે ભારતના સાયબર સ્પેસની સુરક્ષા માટે સ્વદેશી ટેક્નોલોજીયુક્ત વૈજ્ઞાનિક ઉકેલો સમયની માંગ છે. તેઓએ ઉમેર્યું હતું કે સાયબર સ્પેસ જટિલ બની રહી છે અને ક્રિટિકલ નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા માટે સ્થાનિક ઉપાયોની જરૂર છે. વર્તમાન સમયમાં ડીપ ફેક, ખોટી માહિતી જેવા AI આધારિત ગુનાઓ ગંભીર પડકાર સાબિત થઈ રહ્યા છે.

આ પ્રસંગે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY)ના અધિક સચિવ અભિષેક સિંઘે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન AI હેકાથોનની જાહેરાત કરી હતી અને સમાજ અને રાષ્ટ્રની સુખાકારી માટે AI સંબંધિત ઉપાયો રજૂ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રાજીવ કુમાર શર્મા, D.G.-BPR&D એ વર્તમાન પોલીસિંગ અંગે રાષ્ટ્રીય પરિષદની સુસંગતતા અંગે વાત કરી હતી. તેમણે AIના ટેક્નોલોજિકલ અને કાયદાકીય પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

NFSUના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસે AIની જટિલતાઓને દૂર કરવા માટે વ્યાપક સહયોગ વિકસાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે AI આધારિત ગુનાઓનો સામનો કરવા માટે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ (LEAs) સાથે સહયોગી સંશોધનને પ્રોત્સાહન આપવા માટે “સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોરેન્સિક્સ”ના નિર્માણની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.