અમદાવાદ, 23 ઓગસ્ટ, 2026: હેલિયોસ મ્યુચ્યુઅલ ફંડ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) સાથે સંકળાયેલા MSMEs માટે ‘રિફ્રેમિંગ જનરેશનલ વેલ્થ – #How Mutual Funds are Becoming the New-Age Legacy’ થીમ હેઠળ રોકાણકાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉદ્યોગસાહસિકો અને બિઝનેસ માલિકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન સંપત્તિ સર્જન, નાણાકીય આયોજન અને આવનારી પેઢીઓ માટે ટકાઉ વારસો ઊભો કરવાની બદલાતી રીતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમને સંબોધતા હેલિયોસ મ્યુચ્યુઅલ ફંડના ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ અને રિજનલ હેડ (ગુજરાત) શ્રી ભાવેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “અમદાવાદની ઉદ્યોગસાહસિક સંસ્કૃતિ ખૂબ જ મજબૂત છે અને અનેક બિઝનેસ પરિવારો માટે સંપત્તિ સર્જન હંમેશાથી તેમના વ્યવસાયની સફળતા સાથે ગાઢ રીતે જોડાયેલું રહ્યું છે. ભારતીય પરિવારોમાં સોનું અને મિલકત પરંપરાગત રીતે સંપત્તિના વિશ્વસનીય માધ્યમો રહ્યા છે, પરંતુ આજના ઉદ્યોગસાહસિકોની નાણાકીય જરૂરિયાતો અને આકાંક્ષાઓ બદલાઈ રહી છે. સંપત્તિ સર્જનને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જોવાની જરૂરિયાત વધી રહી છે—એવો દૃષ્ટિકોણ કે જે માત્ર સર્જાયેલી સંપત્તિને જાળવી રાખવાથી આગળ વધીને તે સંપત્તિ પરિવાર અને આવનારી પેઢીઓને સતત કેવી રીતે સહાયરૂપ બની શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે. જનરેશનલ વેલ્થને નવા દૃષ્ટિકોણથી જોવાનો અર્થ એ જ છે કે આજે સમજદારીપૂર્વકના નાણાકીય નિર્ણયો લેવામાં આવે, જેથી એક પેઢી દ્વારા સર્જાયેલી સંપત્તિ આવનારી પેઢીઓ માટે પણ મૂલ્યનું સર્જન કરતી રહે.”
ગુજરાત મ્યુચ્યુઅલ ફંડ માટે સતત મહત્વપૂર્ણ બજાર તરીકે ઉભરી રહ્યું છે અને ઇક્વિટી રોકાણમાં ભાગીદારીમાં પણ વધારો થઈ રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસની દૃષ્ટિએ અમદાવાદ માર્ચ 2026 સુધીમાં ₹2.2 લાખ કરોડના AUM સાથે દેશમાં છઠ્ઠું સૌથી મોટું બજાર રહ્યું હતું, જે ભારતમાં કુલ મ્યુચ્યુઅલ ફંડ AUMના 2.82% જેટલું છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ શહેરના AUMમાં આશરે 19%નો વધારો નોંધાયો હતો.
અમદાવાદમાં 5.99 લાખ નોંધાયેલા MSMEs હોવાથી આ ચર્ચા ઉદ્યોગસાહસિક સમુદાય માટે ખૂબ જ પ્રાસંગિક રહી હતી. કાર્યક્રમ દરમિયાન સહભાગીઓને સંપત્તિ જાળવવાના પરંપરાગત માધ્યમોથી આગળ વધીને તેમના વ્યાપક નાણાકીય આયોજનના ભાગરૂપે શિસ્તબદ્ધ રોકાણને ધ્યાનમાં લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ચર્ચા દરમિયાન મુખ્ય પ્રશ્ન હતો: “આજના સમયમાં માત્ર સંપત્તિનું જતન કરવું પૂરતું છે?” સહભાગીઓએ ચર્ચા કરી કે શિક્ષણ અને આરોગ્યસંભાળના વધતા ખર્ચ, વધતી આયુષ્યમર્યાદા તેમજ બદલાતા કૌટુંબિક માળખાં નાણાકીય આયોજનની પ્રક્રિયાને કેવી રીતે અસર કરી રહ્યા છે. આ પરિબળોના ખર્ચમાં વર્ષોથી કેટલો નોંધપાત્ર વધારો થયો છે તે સમજાવવા માટે વિવિધ ઉદાહરણો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
આ ચર્ચાને આગળ વધારતા *‘વિરાસત’*ના બદલાતા અર્થ અંગે પણ ચર્ચા કરવામાં આવી. સહભાગીઓએ નોંધ્યું કે મિલકત, સોનું અને પૈતૃક સંપત્તિ આજે પણ ભાવનાત્મક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે, પરંતુ આજના સમયમાં વારસો આગળ વધારવાનો અર્થ માત્ર માલિકી પૂરતો સીમિત નથી. ન્યૂ-એજ લેગસી એવી હોય છે જેમાં સંપત્તિમાં વૃદ્ધિ કરવાની સંભાવના હોય, તે સરળતાથી ઉપલબ્ધ હોય, જરૂરિયાત સમયે સરળતાથી રોકડમાં રૂપાંતરિત કરી શકાય અને આગામી પેઢીને સરળતાથી હસ્તાંતરિત કરી શકાય. ચર્ચા દ્વારા સહભાગીઓને સંપત્તિને માત્ર જાળવી રાખવાની વસ્તુ તરીકે નહીં, પરંતુ પેઢીઓ સુધી સતત મૂલ્યનું સર્જન કરતી સંપત્તિ તરીકે જોવાનો અભિગમ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ભારતમાં નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવાના હેતુથી હેલિયોસ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આયોજિત આ રોકાણકાર જાગૃતિ કાર્યક્રમમાં જીવનના વિવિધ તબક્કાઓમાં મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે *‘ન્યૂ-એજ લેગસી’*ના નિર્માણમાં મદદરૂપ થઈ શકે છે તે અંગે પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વહેલી ઉંમરથી રોકાણની આદત વિકસાવવાથી લઈને બાળકોના શિક્ષણ અને નિવૃત્તિ જેવા લક્ષ્યો માટે આયોજન કરવા તેમજ Systematic Withdrawal Plans (SWPs) દ્વારા નિયમિત આવક મેળવવા સુધી, સહભાગીઓએ શિસ્તબદ્ધ રોકાણ બદલાતી નાણાકીય જરૂરિયાતોને કેવી રીતે પૂર્ણ કરી શકે તે અંગે સમજ મેળવી હતી. સેશન દરમિયાન Systematic Investment Plans (SIPs) અને કમ્પાઉન્ડિંગની શક્તિ લાંબા ગાળે સંપત્તિ સર્જવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે પણ સમજાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો સમાપન સંદેશ સરળ અને સ્પષ્ટ રહ્યો: લાંબા સમય સુધી ટકી રહે તેવો નાણાકીય વારસો ઊભો કરવા માટે વહેલી શરૂઆત, શિસ્તબદ્ધ રોકાણ અને રોકાણને વૃદ્ધિ માટે પૂરતો સમય આપવો જરૂરી છે.


