તેહરાન, 24 ઓગસ્ટ 2026: ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના પ્રવક્તા હસન કશ્કાવીએ કહ્યું હતું કે, સમિતિએ હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા અંગેના ડ્રાફ્ટ ઠરાવમાં એક કલમને મંજૂરી આપી છે, જે હેઠળ ઈરાન જળમાર્ગમાં પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ માટે ફી વસૂલશે. હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ ટ્રાફિક પર નજર રાખતી ઈરાનની પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી (PGSA)એ રવિવારે જાહેરાત કરી હતી કે, જે જહાજો જળમાર્ગ પર પસાર થતી વખતે ઈરાની નિયમોનું પાલન નહીં કરે તેમને ભવિષ્યમાં મુસાફરી પર પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં, PGSAએ કહ્યું હતું કે, સંભવિત પ્રતિબંધોમાં દંડ, અટકાયત અથવા જહાજ જપ્તીનો સમાવેશ થઈ શકે છે. મળતી માહિતી મુજબ, PGSAએ પર્સિયન ગલ્ફ ક્ષેત્રમાં માલ મોકલતા વેપારીઓ અને કંપનીઓને જહાજ ભાડે લેતા પહેલા તેમની વેબસાઇટ પર “બિન-અનુપાલન જહાજો”ની સૂચિ તપાસવા કહ્યું છે… જેથી પછીથી કોઈ સમસ્યા ન થાય…
દરમિયાન, ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના પ્રવક્તા હસન કશ્કાવીએ રવિવારે જણાવ્યું હતું કે સમિતિએ હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા અંગેના ડ્રાફ્ટ ઠરાવમાં એક કલમને મંજૂરી આપી છે, જે હેઠળ ઈરાન જળમાર્ગમાં પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ માટે ફી વસૂલશે. અર્ધ-સત્તાવાર ફાર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, કશ્કાવીએ કહ્યું હતું કે, રવિવારે સમિતિની બેઠકમાં મંજૂર કરાયેલા આ પ્રસ્તાવમાં હોર્મુઝ સ્ટ્રેટમાં નેવિગેશન સેવાઓ, પર્યાવરણીય સેવાઓ, ખાસ પરિસ્થિતિઓમાં રિફ્યુઅલિંગ સુવિધાઓ, વીમા અને સુરક્ષા સેવાઓ માટે ફી વસૂલવામાં આવશે.
ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને યુએસ ક્ષેત્ર ગણાવ્યું
આ પહેલા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને યુએસ ક્ષેત્ર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો મેળવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ટ્રમ્પે દક્ષિણ કેરોલિનાના મર્ટલ બીચમાં એક ચૂંટણી રેલી દરમિયાન આ ટિપ્પણી કરી હતી, જ્યાં તેઓ રિપબ્લિકન સેનેટ ઉમેદવાર ડાર્લીન ગ્રેહામ માટે પ્રચાર કરી રહ્યા હતા. ઈરાન પર બોલતા, ટ્રમ્પે કહ્યું કે તેઓ સોદા માટે ખૂબ જ ઉત્સુક છે. ત્યારબાદ તેમણે આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ જળમાર્ગનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે યુએસ ક્ષેત્ર છે.
જોકે, ટ્રમ્પે આ દાવા માટે કોઈ કાનૂની કે પ્રાદેશિક આધાર આપ્યો નથી. તેમણે કહ્યું કે ઈરાન સાથેના તણાવથી તેમના સ્થાનિક આર્થિક કાર્યક્રમો પર અસર પડી છે…. તેમણે કહ્યું કે, “મને આ કરવાનું પસંદ નથી, પરંતુ આપણે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથે વાત કરવી પડશે અને પરમાણુ શસ્ત્રોના મુદ્દાને બંધ કરવો પડશે, કારણ કે તેઓ પરમાણુ શસ્ત્રો મેળવી શકે છે અને આપણે તે થવા દેતા નથી.” ઈરાને 28 ફેબ્રુઆરીના રોજ હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાનું નિયંત્રણ વધુ કડક બનાવ્યું. ઈરાની પ્રદેશ પર યુએસ અને ઇઝરાયલી સંયુક્ત હુમલાઓ બાદ, ઈરાને ઇઝરાયલી અને યુએસ-સંલગ્ન અથવા સાથી જહાજોનો સલામત માર્ગ અવરોધિત કર્યો.


