વડોદરા, 24 ઓગસ્ટ 2026 : Truck engulfed in flames on Vadodara-Halol Highway. હાઈવે પર વાહનોમાં આકસ્મિક આગ લાગવાના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરા-હાલોલ હાઇવે પર જરોદ નજીક વધુ એક ટ્રકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. હાઇવે પરથી પસાર થઈ રહેલી એક માલવાહક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતાની સાથે જ ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જોતજોતામાં આખી ટ્રક આગમાં લપેટાઈને બળીને ખાક થઈ ગઈ હતી.
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા-હાલોલ હાઇવે પર જરોદ નજીક ચાલતી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આગના ધૂમાડા જોતા જ ટ્રકચાલક ટ્રકને રોડ સાઈડ પર પાર્ક કરીને ઉતરી ગયો હતો. અને જોતજોતામાં ટ્રક આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી. આગને લીધે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે હાઇવે પરના વાહનોને સર્વિસ રોડ પરથી પસાર કરવાની નોબત આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ પોલીસ દ્વારા હાઇવે પરની ટ્રાફિક વ્યવસ્થા પણ સંભાળવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી મુજબ ટ્રકની કેબિનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સામે આવ્યું નથી. ટ્રકમાં કોપર એટલે કે તાંબાનો જથ્થો ભરેલો હતો. આગના કારણે ટ્રક અને તેમાં ભરેલા માલ-સામાનને મોટું નુકસાન થયું હતુ. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં ટ્રકનો મોટાભાગનો હિસ્સો આગની લપેટમાં આવી ગયો હતો.


