જામનગર, 24 ઓગસ્ટ 2026 : 7,150 liters of adulterated milk seized. જિલ્લાના કાલાવડ તાલુકામાં રાજકોટ રેન્જ પોલીસે બાતમીને આધારે ભેળસેળવાળું દૂધ બનાવતી ડેરી પર રેડ કરીને હજારો લિટર શંકાસ્પદ દૂધ ઝડપી પાડ્યું છે. પોલીસની ટીમે કાલાવડના હરિપર ગામે 7150 લિટર શંકાસ્પદ ભેળસેળવાળા દૂધનો નાશ કર્યો છે અને સાથે સ્થળ પરથી 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ પાવડર જપ્ત કર્યો છે. આ ઘટનામાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, આરોપીએ નકલી દૂધને અસલી દૂધ તરીકે વેચવાની ફિરાકમાં હતા.
આ બનાવની વિગત એવી છે કે, જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હરીપર ગામે શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવાતુ હોવાની બાતમીને આધારે રાજકોટ રેન્જ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.એમ.કાંટેલિયા અને તેમની ટીમે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે હરીપર ગામે દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન 6 ઇસમોના રહેણાંક મકાન તથા દૂધની ડેરીઓ પર રેડ કરવામાં આવી હતી. પોલીસે મેરૂભાઈ વીરાભાઈ ભારાઈ (રહે. રબારીપાળો, હરીપર), અરજણભાઈ અમીરભાઈ કુંભ (રહે. હરીપર), બધાભાઈ બાવનભાઈ ચાવડા (રહે. હરીપર), મેરૂભાઈ બધાભાઈ વંશ (રહે. રબારીપાળો, હરીપર), રણાભાઈ બટુકભાઈ ભારાઈ (રહે. રબારીપાળો, હરીપર), અને બોધાભાઈ નાથાભાઈ વંશ (રહે. રબારીપાળો, હરીપર)ની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે આશરે 7150 લીટર નકલી દૂધ, વનસ્પતિ ઘી 120 કિલો, તેમજ 15 કિલો દૂધનો પાવડર જપ્ત કરીને તાત્કાલિક ફૂડ સેફટી વિભાગના અધિકારીઓને ટેલિફોનિક જાણ કરી ઘટનાસ્થળે બોલાવ્યા હતા. ફૂડ સેફટી ઓફિસર (FSO) દ્વારા સ્થળ પર પહોંચીને શંકાસ્પદ દૂધ અને અન્ય સામગ્રીના જરૂરી સેમ્પલો લઈ આગળની લેબોરેટરી તપાસ માટે સીલ કરવામાં આવ્યા હતા. આ સાથે જ માનવ સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે હેતુથી શંકાસ્પદ ભેળસેળવાળું દૂધ, બનાવટી વેજિટેબલ ઘી તથા દૂધ બનાવવાનો પાવડર સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં સામેલ દૂધના ધંધાર્થીઓ સામે ફૂડ સેફટી ઓફિસર દ્વારા કાયદેસરની ઘટીત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


