Homeગુજરાતીગુજરાતઉપલેટાના નજીક નકલી દૂધ બનાવતી ફેકટરી પકડાઈ, દૂધનો પાવડર, પામ તેલનો જથ્થો...

ઉપલેટાના નજીક નકલી દૂધ બનાવતી ફેકટરી પકડાઈ, દૂધનો પાવડર, પામ તેલનો જથ્થો જપ્ત

રાજકોટ, 24 ઓગસ્ટ 2026 : Factory producing fake milk busted સૌરાષ્ટ્રમાં નકલી દૂધના કારોબાર સામે પોલીસ એલર્ટ બની છે. પોરબંદર જિલ્લામાં નકલી દૂધ વેચવાનું કૌભાંડ પકડાયા બાદ રાજકોટ જિલ્લામાં પણ નકલી દૂધ બનાવતી ફેકટરી પકડાઈ છે. પાટણવાવ પોલીસે ઉપલેટા તાલુકાના કાથરોટા ગામેથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે આશરે 800 લિટર શંકાસ્પદ દૂધ, 200 કિલો દૂધનો પાવડર અને પામ તેલના ખાલી ડબ્બા જપ્ત કર્યા છે. નકલી દૂધ બનાવીને રાજકોટ શહેરમાં મોકલવામાં આવતું હતું.

આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ  જિલ્લાના ઉપલેટા તાલુકાના કાથરોટા ગામે દૂધનો પાઉડર અને પામ ઓઈલ અને કેમિકલ ભેળવીને નકલી દૂધ બનાવવામાં આવતું હોવાની બાતમીને આધારે પોલીસે રેડ પાડી હતી. અને નકલી દૂધના કારોબારનો પર્દાફાશ કર્યો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસે અમુલ દૂધ પાઉડરના મોટા મોટા પેકેટને સીઝ કર્યા હતા અને પકડાયા બાદ બાકી વધેલા દૂધનો ઘરની પાછળ વોકળામાં નાશ કરી દીધો હતો, સાથે જ આ મામલે બનાવટી દૂધ બનાવનાર ભાવેશભાઈ માલધારીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસને બાતમી મળી હતી કે, કાથરોટા ગામનો ભાવેશ ભીખાભાઈ ભારાઈ પામ તેલ અને દૂધનો પાવડર ભેળવીને નકલી દૂધ બનાવતો હતો. વધુ નફો કમાવવાની લાલચે તે દૂધની માત્રા અને ફેટ વધારવાનો પ્રયાસ કરતો હતો. બાતમીના આધારે, પંચો અને ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી. આરોપીના ઘરેથી 800 લિટર બનાવટી દૂધ (કિંમત રૂ. 32000), 200 કિલો દૂધનો પાવડર (કિંમત રૂ. 70000) અને પામ તેલના 7 ખાલી ડબ્બા મળી આવ્યા હતા. કુલ રૂ. 1,02,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.  ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા બનાવટી દૂધ, દૂધનો પાવડર અને પામ તેલના અલગ-અલગ સેમ્પલ લઈ વડોદરા પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે. ફૂડ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ, પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે નકલી દૂધનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે દૂધના પાવડરના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે. આ મામલે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. વડોદરાથી પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular