અમેરિકી નૌસેનાએ જપ્ત કરેલા ઈરાની જહાજમાં મિસાઈલ બનાવવાનું કેમિકલ હોવાની આશંકા
વોશિંગ્ટન, 21 એપ્રિલ 2026: મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ હવે ચરમસીમાએ પહોંચી છે. અમેરિકી નૌસેનાએ હોર્મુઝની સામુદ્રધુની પાસે એક ઈરાની કન્ટેનર જહાજને રસ્તામાં રોકીને તેને પોતાના કબજામાં લીધું છે. આ કાર્યવાહી બાદ સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. અમેરિકી રાજકારણી અને પૂર્વ ગવર્નર નિક્કી હેલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ અંગે ગંભીર ખુલાસો કર્યો છે.
-
જપ્ત કરવામાં આવેલું જહાજ ‘ટોસ્કા’ ચીનથી ઈરાન જઈ રહ્યું હતું
તેમણે દાવો કર્યો છે કે જપ્ત કરવામાં આવેલું જહાજ ‘ટોસ્કા’ ચીનથી ઈરાન જઈ રહ્યું હતું. આ જહાજમાં બેલિસ્ટિક મિસાઈલના નિર્માણમાં વપરાતા જોખમી રસાયણો અને ‘ડ્યુઅલ-યુઝ મટિરિયલ’ (જેનો ઉપયોગ ઔદ્યોગિક અને સૈન્ય બંને હેતુ માટે થઈ શકે) લદાયેલું હોવાની પ્રબળ આશંકા છે. હેલીએ ઉમેર્યું કે જહાજને અનેકવાર થોભવા આદેશ અપાયા હોવા છતાં તેણે સૂચનાનું ઉલ્લંઘન કર્યું હતું.
મરીન ટ્રેકિંગ ડેટા મુજબ, ઈરાની ધ્વજ ધરાવતા આ જહાજને રવિવારે ચાબહાર પોર્ટ પાસે ઓમાનની ખાડીમાં અટકાવવામાં આવ્યું હતું. આ જહાજ ‘ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન શિપિંગ લાઈન્સ’ સમૂહનું છે, જેના પર અમેરિકાએ 2019થી જ પ્રતિબંધો લાદેલા છે. અમેરિકાનો આરોપ છે કે આ શિપિંગ નેટવર્ક ઈરાનના મિસાઈલ પ્રોગ્રામ માટે સામગ્રી પહોંચાડવાનું મુખ્ય માધ્યમ છે. આ કાર્યવાહી સામે ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે. તેહરાને અમેરિકી નૌસેનાની આ હિલચાલને‘સશસ્ત્ર દરિયાઈ લૂંટારુ’ તરીકે ગણાવી છે. ઈરાની સૈન્યએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી અમેરિકા તેની નાકેબંધી નહીં હટાવે ત્યાં સુધી તેઓ ઈસ્લામાબાદમાં યોજાનારી આગામી શાંતિ વાર્તામાં ભાગ લેશે નહીં. ઈરાની અધિકારીઓએ જણાવ્યું કે તેઓ વળતો પ્રહાર કરવા સક્ષમ છે, પરંતુ જહાજ પર સવાર ક્રૂ મેમ્બર્સના પરિવારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ સંયમ જાળવી રહ્યા છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, જહાજમાં ધાતુ, પાઇપ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેવી સામગ્રી છે જેનો ઉપયોગ હથિયારો બનાવવામાં થઈ શકે છે. હાલમાં આ જહાજ અને તેમાં રહેલી સામગ્રીની સઘન તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ માત્ર તેલના બજારમાં જ નહીં, પરંતુ વૈશ્વિક રાજનીતિમાં પણ ગરમાવો લાવી દીધો છે. નિષ્ણાતો માને છે કે જો સ્થિતિ જલ્દી કાબૂમાં નહીં આવે, તો ખાડી દેશોમાં મોટો સૈન્ય સંઘર્ષ છેડાઈ શકે છે.
આ પણ વાંચોઃ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું: વૈશ્વિક અસ્થિરતાની અસર


