Site icon Revoi.in

સૈફ અલી ખાન ઉપર હુમલો કરનાર આરોપીને સિમ કાર્ડ પશ્ચિમ બંગાળની મહિલાએ આપ્યાનું ખૂલ્યું

Social Share

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. પોલીસે જણાવ્યું કે અભિનેતા પર હુમલો કરનાર આરોપીને સિમ કાર્ડ આપનાર મહિલા પશ્ચિમ બંગાળની રહેવાસી છે. આ મહિલાનું નામ ખુકુમોઈ શેખ છે. મુંબઈ પોલીસની એક ટીમ મહિલાની પૂછપરછ માટે પશ્ચિમ બંગાળ ગઈ હતી. પોલીસે ખુકુમોઈ શેખનું નિવેદન નોંધ્યું. જોકે, અત્યાર સુધીની તપાસમાં મહિલાની ભૂમિકા પર કોઈ શંકા મળી નથી. પોલીસનું કહેવું છે કે જો મહિલાએ આરોપીને સિમ કાર્ડ આપવામાં મદદ કરી હોય, તો તપાસ આ દિશામાં આગળ વધી શકે છે.

મુંબઈ પોલીસે સ્પષ્ટતા કરી કે ખુકુમોઈ શેખને હાલમાં ફક્ત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તેમને અટકાયતમાં લેવામાં આવ્યા નથી કે ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ આ મામલાની વિગતવાર તપાસ કરી રહી છે. આરોપી સુધી પહોંચવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે અગાઉ પોલીસને ગુનાના સ્થળેથી મળેલા 19 ફિંગરપ્રિન્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આરોપી શહજાદના નમૂના તે રિપોર્ટ સાથે મેળ ખાતા નહોતા.

સૈફ અલી ખાનના ઘરમાંથી મળેલા ફિંગરપ્રિન્ટના નમૂનાઓ અને આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી શરીફુલ ઇસ્લામના ફિંગરપ્રિન્ટ્સનું મેચિંગ કર્યા બાદ CID (ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ) એ મુંબઈ પોલીસને આ અંગે જાણ કરી હતી. CIDએ મુંબઈ પોલીસને ફિંગરપ્રિન્ટ સેમ્પલનો નેગેટિવ રિપોર્ટ આપ્યો, એટલે કે ગુનાના સ્થળેથી એકત્રિત કરાયેલા નમૂનાઓમાંથી 19 નમૂના આરોપીના ફિંગરપ્રિન્ટ્સ સાથે મેળ ખાતા નહોતા. આરોપી શરીફુલના તમામ દસ ફિંગરપ્રિન્ટ રાજ્ય CIDના ફિંગરપ્રિન્ટ બ્યુરોને મોકલવામાં આવ્યા હતા. સીઆઈડીએ સિસ્ટમ-જનરેટેડ રિપોર્ટ દ્વારા આ વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ગુનાના સ્થળેથી એકત્રિત કરાયેલા 19 ફિંગરપ્રિન્ટ્સ જે તેમને મોકલવામાં આવ્યા હતા તે આરોપીઓના ફિંગરપ્રિન્ટ્સ સાથે મેળ ખાતા નથી. આ પછી રિપોર્ટ પુણે સીઆઈડી સુપરિન્ટેન્ડેન્ટને મોકલવામાં આવ્યો.