
અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં
- શહેરમાં સવારથી જ આકાશ વાદળછાયું
- નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
અમદાવાદઃ શહેરમાં ચોમાસાના પ્રારંભ બાદ વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, એટલું જ નહીં નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયાં હતા.
અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં આજે સવારથી જ કાળાડિંબાગ વાદળો છવાયાં હતા. દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના નારણપુરા, ઘાયલોડિયા, થલતેજ, નરોડા, ચાંદલોડિયા, અસારવા, મેઘાણીનગર, પાલડી, આશ્રમ રોડ, રિવરફ્રન્ટ, ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના પશ્ચિમમાં પણ ગોતા, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે.
શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. માર્ગો ઉપર પાણી ભરાવાના કારણે અનેક વાહનો પાણીમાં ફસાઇ ગયા હતો. જ્યારે કેટલાક વાહનો બંધ પડી ગયા હતા. અમદાવાદમાં મેઘાણીનગરમાં ભાર્ગવ રોડ વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી સર્જાઈ હતી. આ ઉપરાંત પંચવટી પાંચ રસ્તા સહિતના માર્ગો ઉપર પાણી ભરાયાં હતા. જેથી માર્ગો ઉપર જાણે નદી વહેલા લાગી હોય તેવા દ્રશ્યો સર્જાયાં હતા. હવામાન વિભાગે હજુ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.