Homeગુજરાતીદેશ-વિદેશજંતર-મંતરઃ બેરિકેટ હટાવાતા સ્થાનિકોને મળશે રાહત, હવે વિરોધ પ્રદર્શન નહીં યોજાય

જંતર-મંતરઃ બેરિકેટ હટાવાતા સ્થાનિકોને મળશે રાહત, હવે વિરોધ પ્રદર્શન નહીં યોજાય

નવી દિલ્હી, 5 નવેમ્બર 2026: દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર પરથી તમામ બેરિકેડ હટાવી લેવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયની એક ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણો બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હી પોલીસના નવા સ્થાયી આદેશ હેઠળ જંતર-મંતરને હવે સત્તાવાર રીતે વિરોધ પ્રદર્શન માટેનું અધિકૃત સ્થળ ગણવામાં આવશે નહીં. આ નિર્ણયથી 18મી સદીની ઐતિહાસિક વેધશાળાની આસપાસ રહેતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોને મોટી રાહત મળી છે. લાંબા સમયથી લાગેલા પ્રતિબંધો અને રસ્તાઓ બંધ થવાથી સ્થાનિકોએ ભારે અસુવિધા ભોગવવી પડતી હતી, જે અંગે કેટલાક રહીશોએ દિલ્હી પોલીસની આડેધડ બેરિકેડિંગ સામે કોર્ટના દરવાજા પણ ખટખટાવ્યા હતા.

હાલમાં જ કોકરોચ જનતા પાર્ટી અને વિદ્યાર્થી સંગઠનોના વિરોધ પ્રદર્શન દરમિયાન જંતર-મંતર પર લગાવવામાં આવેલા કડક પ્રતિબંધો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા હતા. તે સમયે સમગ્ર લુટિયન્સ દિલ્હીને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું અને પોલીસે BNSSની કલમ 163 લાગુ કરીને સામાન્ય જનતાની અવરજવર પર રોક લગાવી દીધી હતી. સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમારે 11 ઓક્ટોબરે એક આદેશ જારી કરીને જંતર-મંતરનું સત્તાવાર પ્રદર્શન સ્થળ તરીકેનું નોટિફિકેશન રદ કર્યું છે. પોલીસે હવે અધિકૃત ધરણાગ્રહ માટે ત્રણ નવા વૈકલ્પિક સ્થળો નક્કી કર્યા છે, જેમાં સેન્ટ્રલ દિલ્હીનું રામલીલા મેદાન, ઈસ્ટ દિલ્હીનું સીબીડી ગ્રાઉન્ડ અને નોર્થ-વેસ્ટ દિલ્હીનું બુરારી ગ્રાઉન્ડ સામેલ છે.

બીજી તરફ, દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત સમક્ષ સોગંદનામું રજૂ કરીને સ્પષ્ટ કર્યું છે કે જાહેર માર્ગોને કાયમી ધોરણે પ્રદર્શન સ્થળ બનાવી શકાય નહીં. જાહેર સુરક્ષા, ટ્રાફિકની મુશ્કેલીઓ અને અતિ સંવેદનશીલ સરકારી ઈમારતોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયની સમિતિએ સર્વાનુમતે જંતર-મંતરને આંદોલનો માટે અયોગ્ય ઠેરવ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular