ટોક્યો, 23 ઓગસ્ટ 2026: ટોક્યો અને જાપાનના પૂર્વીય વિસ્તારમાં વહેલી સવારે 5.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ઘટનામાં 20થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાંના મોટાભાગના લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
જાપાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ દક્ષિણ ઇબારાકી પ્રીફેક્ચરમાં લગભગ 70 કિલોમીટર (42માઈલ)ની ઊંડાઈએ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ તેની પ્રાથમિક તીવ્રતા 5.8 માપી હતી. આ વિસ્તાર જાપાનના એવા ભાગોમાંનો એક છે જ્યાં વારંવાર ભૂકંપ આવે છે.
ભૂકંપને કારણે ટ્રેનોમાં વિલંબ
ઈસ્ટ જાપાન રેલવે કંપનીના જણાવ્યા અનુસાર, ભૂકંપને કારણે ટોક્યો અને નારિતા એરપોર્ટ વચ્ચે દોડતી એક્સપ્રેસ ટ્રેનો તેમજ ઉત્તર-પૂર્વીય વિસ્તારોની અન્ય સ્થાનિક ટ્રેનોમાં વિલંબ થયો હતો, પરંતુ શિંકાન્સેન બુલેટ ટ્રેનો સામાન્ય રીતે કાર્યરત હતી.
ભૂકંપ બાદ અધિકારીઓએ ત્વરિત પગલાં લીધાં; વડાપ્રધાન સાનાએ તાકાઈચીએ જણાવ્યું કે સરકારે રાહત કામગીરી માટે એક ટીમની રચના કરી છે. ભૂકંપને કારણે કેટલાક માળખાગત માળખાને અસર થઈ છે.
460 ઘરોમાં વીજળી ગુલ
ટોક્યોના કોટો વોર્ડમાં ભૂગર્ભ પાણીની પાઇપ ફાટી જવાથી રસ્તાનો એક ભાગ પાણીમાં ડૂબી ગયો હતો. સમારકામ બાદ પાણીનું લીકેજ અટકાવી દેવામાં આવ્યું હતું. ટેપકો (TEPCO) પાવર ગ્રીડના જણાવ્યા અનુસાર, ટોક્યોમાં લગભગ 460 ઘરોનો વીજળી પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો, જોકે રવિવાર સવાર સુધીમાં વીજળી સેવા પુનઃસ્થાપિત કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, જાપાનના સૌથી દક્ષિણના મુખ્ય ટાપુ ‘ક્યુશુ’ના કુમામોટો વિસ્તારમાં 7.1ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો તેના થોડા અઠવાડિયા બાદ જ આ ભૂકંપ આવ્યો હતો. તે આપત્તિમાં 38 લોકોનાં મોત થયાં હતાં, 364લોકો ઘાયલ થયા હતા અને 1500થી વધુ ઈમારતો નાશ પામી હતી.
વધુ વાંચો: વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિએ મિત્રો અને પરિવાર સાથે તેમનો 117મો જન્મદિવસ ઉજવ્યો


