1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં સાબરમતી નદીમાં કાયાકિંગનો પ્રારંભ, વોટર સ્પોર્ટ એક્ટિવિટી માટે શહેરીજનો ઉમટી પડ્યાં
અમદાવાદમાં સાબરમતી નદીમાં કાયાકિંગનો પ્રારંભ, વોટર સ્પોર્ટ એક્ટિવિટી માટે શહેરીજનો ઉમટી પડ્યાં

અમદાવાદમાં સાબરમતી નદીમાં કાયાકિંગનો પ્રારંભ, વોટર સ્પોર્ટ એક્ટિવિટી માટે શહેરીજનો ઉમટી પડ્યાં

0
Social Share

અમદાવાદઃ શહેરમાં રિવરફ્રન્ટ, સાબરમતી નદીમાં કાયાકિંગ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં શનિવારે પ્રથમ દિવસે વોટર સ્પોર્ટસ એક્ટિવિટીમાં અનેક શહેરીજનોએ ભાગ લીધો હતો. કાયાકિંગ માટે સવાર, બપોર અને સાંજનાં અલગ-અલગ સમયના સ્લોટ રાખવામાં આવ્યા છે. એક સ્લોટ 50 મિનિટનો નક્કી કરવામાં આવ્યો છે. સવારે 6થી 10, બપોરે 3થી 4 અને સાંજે 4થી 7 વાગ્યા સુધીનાં અલગ-અલગ સ્લોટમાં લોકો એક્ટિવિટીની મજા માણી શકશે.

અમદાવાદના લોકોને સાબરમતી નદીમાં વોટર સ્પોર્ટ્સની વધુ એક ભેટ મળી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર એક પછી એક નવી એક્ટિવિટીનો ઉમેરો થઈ રહ્યો છે. રિવરફ્રન્ટ ખાતે કાયાકિંગ (નાની રબર કે પ્લાસ્ટિકની હોડી જાતે ચલાવવી)ની શરૂઆત કરવામાં આવી છે.શહેરમાં આ પ્રકારની એક્ટિવિટી પહેલીવાર જોવા મળી રહી છે. આ એક્ટિવિટી શરૂ કરવા પાછળનો મુખ્ય આશ્રય નદીને એકદમ સક્રિય અને ધબકતી રાખવાનો છે. ગયા વર્ષે નેશનલ ગેમ્સમાં આ સ્પોર્ટ્સ એક્ટિવિટી સૌથી વધુ સફળ રહી હતી. સાબરમતી રિવરફ્રન્ટ પર સરદાર બ્રિજની નીચેથી લઈને આંબેડકર બ્રિજ સુધી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીની મજા માણી શકશે. અહીં સવાર, બપોર અને સાંજનાં અલગ-અલગ સમયના સ્લોટ રાખવામાં આવ્યા છે. એક સ્લોટ 50 મિનિટનો નક્કી કરવામાં આવ્યો છે. સવારે 6થી 10, બપોરે 3થી 4 અને સાંજે 4થી 7 વાગ્યા સુધીનાં અલગ-અલગ સ્લોટમાં લોકો એક્ટિવિટીની મજા માણી શકશે. 12 વર્ષથી મોટી ઉંમરનાં લોકો જ આ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીની મજા માણી શકશે.

શહેરના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, કમિટીનાં ચેરમેન હિતેશ બારોટ અને શાસક પક્ષનાં નેતા ભાસ્કરભાઈ ભટ્ટ સહિત સાબરમતી રિવરફ્રન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીઓ દ્વારા કાયાકિંગ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીને લોકો માટે ખુલ્લી મુકવામા આવી હતી. સરદાર બ્રિજની નીચે આવેલા ઘાટ નં-11થી આંબેડકર બ્રિજ તરફ કાયાકિંગ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકાશે. કાયાકિંગ કરનારા શોખીનોને શરુઆતમાં 800 મીટરથી 1 કિ.મી સુધીનું એક ચક્કર મારવા દેવામાં આવશે. સવારે 6 થી 10 અને મોડી સાંજનાં સ્લોટનો ચાર્જ પ્રતિ વ્યક્તિ 600 રુપિયા રાખવામાં આવ્યો છે જ્યારે બપોરનાં સ્લોટનો ચાર્જ 300 રુપિયા રાખવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કાયાકિંગ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે કુલ 10 જેટલી બોટ લાવવામાં આવી છે. જેમાં સાત બોટ ડબલ સીટર એટલે કે બે વ્યક્તિ બેસી શકે તેવી અને ત્રણ બોટ એક જ વ્યક્તિ બેસી શકે તેવી રાખવામાં આવી છે. આ વોટર સ્પોર્ટ્સ ઇકો ફ્રેન્ડલી છે. કાયાકિંગનાં શોખીનો કાયાર્કિંગની મજા માણવા નદીમાં ઉતરે તે પહેલાં જ જેકેટ, રેસ્ક્યુ બોટ અને લાઇવગાર્ડ જેવા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવશે. કાયાકિંગ કરવા ઇચ્છતા શોખીન લોકોને ઓપરેટર દ્વારા તાલીમ પણ આપવામાં આવશે. તેઓને સૌ પ્રથમ વોટર સ્પોર્ટ્સ ઓપરેટર કાયાકને કેવી રીતે પેડલ મારવા, કેવી રીતે ડાબી-જમણી બાજુએ ટર્ન લેવો જેવી મહત્વની બાબતો શીખડાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કાયાકિંગ જેવી વોટર સ્પોર્ટસ હાલ ગોવા, કેરળ સહિતનાં દરિયાકિનારાનાં રાજ્યો અને ઉત્તરાખંડનાં ઋષિકેશમાં માણવા મળે છે. અમદાવાદમાં આ પ્રકારની વોટર સ્પોર્ટ્સ સૌ પ્રથમવાર આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code