
કચ્છના કમલમ્ ઉર્ફે ડ્રેગન ફ્રૂટને ફળ તરીકે કેન્દ્ર-રાજ્ય સરકારે માન્યતા આપીઃ ખેડુતોને થશે ફાયદો
ભુજ : કચ્છમાં કમલમ્ ફ્રૂટ ઉર્ફે ડ્રેગન ફળનાં વાવેતરને મળેલી સફળતાની નોંધ વડાપ્રધાન મોદીએ પણ લીધી હતી., પરંતુ ખુદ સરકાર ડેગન ફ્રૂટને ફળ માનતી નથી, તે અંગેની સરકાર સમક્ષ અનેકવાર રજુઆતો કરવામાં આવી હતી. કચ્છમાં કમલમ્ ફ્રૂટને ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા `ફળ’ તરીકે માન્યતા મળતાં કૃષિ જગતમાં નવા ફળ પાકના ઉમેરાની ઐતિહાસિક ઘટનાનો યશ કચ્છ અને કચ્છના પ્રગતીશીલ કિસાનોએ મેળવી કૃષિ વિકાસનાં નવાં દ્વાર ખોલ્યાં છે.
ભારત સરકારની કમલમ્ ફળ તરીકે માન્યતા મળતાં હવે આ ફળનાં વાવતેર વિસ્તાર, વિકાસ, પ્રોસસિંગ વગેરે માટે સરકારની સહાય યોજનાઓમાં સ્થાન પામશે અને તેમાં ખેડૂતોને સીધો સબસિડીનો લાભ મળશે. કચ્છનાં ખેડૂતો ર014થી કમલમ્ ફ્રૂટની ખેતી કરતા થયા છે, પરંતુ વડાપ્રધાનની મન કી બાતમાં ઉલ્લેખ થતાં સમગ્ર દેશમાં કચ્છનું કમલમ્ ફ્રૂટ ચર્ચામાં આવ્યું હતું. પરંતુ ડ્રેગન ફ્રુટને સરકારની ફળ તરીકે માન્યતા મળી નહીં હોવાથી આ અંગે રજુઆતો પણ કરવામાં આવી હતી.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તરફથી કચ્છના ડ્રેગન ફળનાં વાવતેરનો વિસ્તાર, પ્રમાણ, ખર્ચ, ઉત્પાદન, આવક, જમીન, પાણીની જરૂરિયાત વગેરેનું સર્વેક્ષણ કરાવની સૂચના કૃષિ વૈજ્ઞાનિકોને અપાઈ હતી અને કૃષિ વેજ્ઞાનિકોએ માત્ર દસેક દિવસમાં જ સંપૂર્ણ અહેવાલ તૈયાર કરીને કૃષિ યુનિવર્સિટીમાં સુપરત કર્યો હતો. કમલમ્ ફ્રૂટને `ફળ’ તરીકે માન્યતા મળતાં રાજ્ય સરકારે વાવેતર વિસ્તાર વધારવા માટે પ્લાન્ટિંગ મટિરિયલ સહાય જાહેર કરતાં કચ્છનાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.
રાજ્ય સરકારે તેનાં વર્ષ 21-22માંનાં પ્લાનિંગમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત યુનિટ કોષ્ટ અંદાજિત ખર્ચ રૂા. 2.પ0 લાખ હેકટરે નક્કી કર્યા છે. ખેડૂતોને ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂપિયા 1.25 લાખ હેકટરે મળશે. એક લાભાર્થી ખેડૂત દીઠ વધુમાં વધુ 2 હેકટરની મર્યાદામાં સહાય મેળવી શકશે. રાજ્ય સરકારની આઈ ખેડૂત પોર્ટલ પર સહાય યોજનાની વિગતો સૌથી પહેલા ક્રમ નંબર એકમાં કમલમ્ ફળને સ્થાન આપવામાં આવ્યું છે.
કમલમ્ ફળની ખેતી કરવા માગતા ખેડૂતો હવે ઓનલાઈન અરજીઓ તા. 1-7-2021થી 31-8-20ર1 સુધી અરજી કરીને સબસિડીનો લાભ મેળવી શકશે. રાજ્યમાં પૂરતા પ્રમાણમાં એનએચબી દ્વારા કમલમ્નું પ્લાન્ટિંગ મટિરિયલ તૈયાર કરનારી નર્સરીનું એક્રેડિટેશન ન થાય ત્યાં સુધી ખેડૂતો પોતાની પસંદગીનું સારી ગુણવત્તાવાળું પ્લાન્ટિંગ મટિરિલ્સ નર્સરીમાંથી મેળવી વાવેતર કરે તો તેઓને સહાય મળવાપાત્ર રહેશે.
ખનિજ, વિટામિન, લોહતત્ત્વ સહિત માનવ આરોગ્ય માટે જડીબુટ્ટી જેવી ઔષધિય સંપત્તિ ધરાવતું આ ડ્રેગન ફળ સરકાર તરફથી ફળની માન્યતા મળતાં આ ફળની આયાત ઘટાડી ડ્રેગન ફળનાં ક્ષેત્રે પણ કચ્છ આત્મનિર્ભર બનશે. કિસાનો માટે આવકનાં નવાં દ્વાર ખૂલશે.