
નોઈડામાં બ્લેક ફંગસની બીમારી વચ્ચે ઈન્જેકશન અને દવાઓની અછત
- દવાના અભાવે દર્દીઓની મુશ્કેલીઓ વધી
- તબીબો યોગ્ય સારવાર કરવા અક્ષમ
દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારી વચ્ચે હવે બ્લેક ફંગસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. દિલ્હી નજીક આવેલા નોઈડામાં પણ બ્લેક ફંગસના કેસ સામે આવી રહ્યાં છે. મોટાભાગના દર્દીઓમાં આ બીમારી પ્રાથમિક સ્ટેઝ ઉપર છે. પરંતુ જિલ્લામાં દવાઓ અને ઈન્જેકશનની અછત ઉભી થઈ છે. જેથી તબીબો અને દર્દીઓ મુશ્કેલીમાં મુકાયાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર બ્લેક ફંગસની બીમારી વચ્ચે કેટલીક દવાઓ તાત્કાલિક સપ્લાય કરવામાં આવી રહી છે. હાઈ ડોઝ સ્ટેરોયકના ઉપયોગથી સેલ્ફ ઈન્યુનિટી સિસ્ટમ નબળી પડવાથી શહેરમાં કોરોનામાંથી સાજા થયેલા કેટલાક દર્દીઓમાં બ્લેક ફંગસના લક્ષણો જોવા મળી રહ્યાં છે. પહેલા લોકો આને લઈને જાગૃત ન હતા પરંતુ હવે સ્થિતિ એવી ઉભી થઈ છે કે, લક્ષણો દેખાતા જ ડોકટર પાસે દોડી જાય છે. પરંતુ દવાઓ અને ઈન્જેકસનની અછતના કારણે બીમારી વધી રહી છે. આઈએમએ, નાઈડાના જનરલ સેક્રેટરી ડો મોહિતા શર્માએ જણાવ્યું કે, આઈએમએ સાથે જોડાયેલા તબીબો પાસે બ્લેક ફંગસના દર્દીઓ આવી રહ્યાં છે. હું આંખ સ્પેશિયાલિસ્ટ છું. મારી પાસે હાલ દરરોજ 12 જેટલા દર્દીઓ આવે છે. છેલ્લા પાંચેક દિવસથી દર્દીઓ મારી પાસે આવી રહ્યાં છે. પરંતુ દવા અને ઈન્જેકશન નહીં હોવાથી તેમની સારવાર કરી શકતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને માત આપનારા અનેક દર્દીઓ બ્લેક ફંગસની બીમારીનો સામનો કરી રહ્યાં છે. કેટલાક રાજ્યોએ અગમચેતીના પગલા લઈને દર્દીઓની સારવાર વધારે તેજ બનાવી છે.