લાલુને સુપ્રીમમાંથી ના મળી રહાત, જમીનના બદલે નોકરી કૌભાંડમાં FIR રદ કરવાની અરજી ફગાવાઈ
નવી દિલ્હી, 13 એપ્રિલ 2026: રેલવેમાં ‘જમીનના બદલે નોકરી’ કૌભાંડ મામલે રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. સર્વોચ્ચ અદાલતે લાલુ યાદવ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ અને તપાસની કાર્યવાહી પર રોક લગાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સોમવારે (13 એપ્રિલ, 2026) સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે, સીબીઆઈ તપાસ અંગેની તેમની વાંધા અરજીઓનો નિકાલ ટ્રાયલ દરમિયાન કરવામાં આવશે.
જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી. જોકે, કોર્ટે લાલુ યાદવને થોડી રાહત આપતા ટ્રાયલ કોર્ટમાં વ્યક્તિગત પેશી (હાજર રહેવા) માંથી મુક્તિ આપી છે. લાલુ યાદવે દિલ્હી હાઈકોર્ટના એ નિર્ણયને પડકાર્યો હતો, જેમાં હાઈકોર્ટે સીબીઆઈ ની એફઆઈઆર રદ કરવાનો ઇનકાર કર્યો હતો અને નીચલી અદાલતની કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી.
આ કેસ વર્ષ 2004 થી 2009 વચ્ચેનો છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્ર સરકારમાં રેલવે મંત્રી હતા. આરોપ છે કે, રેલવેમાં ગ્રુપ-ડીની ભરતી માટે અનેક લોકો પાસેથી કથિત રીતે જમીન લાંચ તરીકે લેવામાં આવી હતી. લાલુ યાદવ અને તેમના પરિવારના સભ્યોના નામે ખૂબ જ ઓછી કિંમતે જમીનો ટ્રાન્સફર કરવામાં આવી હતી. સીબીઆઈએ આ મામલે ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાન્યુઆરી 2026 માં દિલ્હીની રાઉઝ એવન્યુ સ્પેશિયલ કોર્ટે આ મામલે અત્યંત કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે લાલુ યાદવ અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ આરોપો નક્કી કરતી વખતે ટિપ્પણી કરી હતી કે, આ તમામ આરોપીઓએ એક ‘ક્રિમિનલ એન્ટરપ્રાઈઝ’(ગુનાહિત સંગઠન) ની જેમ કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડમાં કુલ 41 આરોપીઓ વિરુદ્ધ આરોપો નક્કી કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ બિહાર અને દેશના રાજકારણમાં ગરમાવો આવવાની શક્યતા છે. એક તરફ લાલુ યાદવના પરિવારે આ તપાસને રાજકીય કિન્નાખોરી ગણાવી છે, તો બીજી તરફ કોર્ટના કડક વલણથી હવે તેમની કાયદાકીય મુશ્કેલીઓ વધતી જણાય છે.


