1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોહીયાળ બની, ભાજપના ઉમેદવારના ભાણાની હત્યા
મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોહીયાળ બની, ભાજપના ઉમેદવારના ભાણાની હત્યા

મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોહીયાળ બની, ભાજપના ઉમેદવારના ભાણાની હત્યા

0
Social Share

મહેસાણા, 25 એપ્રિલ 2026: ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે.જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હોવાથી ઉમેદવારો અને કાર્યકરો મતદારોને મનાવવા માટે ડોર-ટુ-ડોર પ્રચાર કરી રહ્યાં છે. બીજી તરફ મહેસામામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોહીયાળ બની હોવાનું સામે આવ્યું છે. મહેસાણાના વોર્ડ નંબર -4 માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભાજપના ઉમેદવારના ભાણાની હત્યા થઈ હોવાનું જાણવા મળે છે. જ્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિ પણ ગંભીર રીતે ઘાયલ થયાં હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર મહેસાણા શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માનવઆશ્રમ ચોકડીથી તાવડિયા તરફ જવાના માર્ગ ઉપરથી ભાજપના ઉમેદવારનો ભાણો મિતેન ચૌધરી મિત્ર ધીમંત ચૌધરી તથા અન્ય બે વ્યક્તિઓ સાથે કારમાં પસાર થઈ રહ્યો હતો. દરમિયાન અજાણ્યા ચારેક શખ્કોએ તેમના વાહનને આંતરીને અચાનક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તેમની ઉપર તીક્ષણ હથિયારો, લાકડીઓ અને પાઈપ વડે હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. હુમલામાં મિતેન ચૌધરી ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું. જ્યારે ધીમંત ચૌધરીને પણ ગંભીર ઈજા થતા તેને હોસ્પિટલ લઈ જવાયો હતો અને હાલ તેની સારવાર ચાલી રહી છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ આ ઘટના અંગે ગુનો નોંધીને હત્યારાઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર મિતેન ચૌધરી ઉપર કોંગ્રેસના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિ પણ ઈજાગ્રસ્ત થયાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, મતદાન પૂર્વે જ મહેસાણામાં ચૂંટણીને લઈને હત્યા થતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે સમગ્ર શહેરમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ નકલી બિયારણ અને જંતુનાશકો સામે કડક કાયદો તૈયાર કરવામાં આવી રહ્યો છે: શિવરાજસિંહ ચૌહાણ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code