1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની 9263 બેઠકો ઉપર રવિવારે મતદાન, 25 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ સીલ થશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની 9263 બેઠકો ઉપર રવિવારે મતદાન, 25 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ સીલ થશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની 9263 બેઠકો ઉપર રવિવારે મતદાન, 25 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ સીલ થશે

0
Social Share

અમદાવાદ, 25 એપ્રિલ 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આવતીકાલે રવિવારે મતદાન યોજાશે, જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતીકાલે રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ ગરમીને ધ્યાનમાં રાખીને મતદારોની સુવિધા માટે ચૂંટણીપંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સાંજે 7 કલાકે 25 હજારથી વધારે ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 4 કરોડથી વધારે મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

સુત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે રવિવારે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધારેમાં વધારે મતદાન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હારીજ તાલુકાના અડીયા બેઠક અને મહેસાણામાં સતલાસણા તાલુકા પંચાયતની બેઠક ઉપર કોઈ પણ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું ન હોવાથી અહીં ચૂંટણી યોજાશે નહીં. આ ઉપરાંત બારડોલી તાલુકા પંચાયતની આસ્તાન બેઠક, બાવળાની દહેગામડા તાલુકા પંચાયત બેઠક અને સાબરકાંઠાના વિજયનગરની ચિતરીયા તાલુકા પંચાયત બેઠક ઉપર ઉમેદવારોનું અવસાન થતા ચૂંટણી મોકુફ રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં આ બેઠકો ઉપર ચૂંટણી યોજાશે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 736 બેઠકો બિનહારીફ જાહેર થયેલી છે. જ્યારે 9263 બેઠકો ઉપર 25537 ઉમેદવારો વચ્ચે રવિવારે મતદાન થશે. અમદાવાદ સહિત 15 મહાનગર પાલિકાના 261 વોર્ડની 43 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જ્યારે 1044 બેઠકો માટે મતદાન યોજાશે. 84 નગરપાલિકાના 656 વોર્ડની 2624 બેઠકો મતદાન યોજાશે. નગરપાલિકામાં 5441 ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે. 34 જિલ્લા પંચાયતની 1038 બેઠકો ઉપર 3059 ઉમેદવારો માટે મતદારો મતદાન કરશે. 260 તાલુકા પંચાયતની 4976 બેઠકો ઉપર 13871 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં પોતાનું ભાવિ અજમાવી રહ્યાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2,10,71,000 પુરુષ મતદારો અને 1,97,44,000 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

આ પણ વાંચોઃ મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોહીયાળ બની, ભાજપના ઉમેદવારના ભાણાની હત્યા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code