એકલતા હૃદય રોગનું કારણ પણ બની શકે: રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
આજના ભાગદોડભર્યા જીવનમાં ભીડ વચ્ચે રહીને પણ ઘણા લોકો પોતાની જાતને એકલા અનુભવતા હોય છે. અત્યાર સુધી એકલતાને માત્ર એક માનસિક સ્થિતિ માનવામાં આવતી હતી, પરંતુ તાજેતરમાં થયેલા એક મોટા રિસર્ચમાં ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. જે લોકો વધુ એકલતા અનુભવે છે, તેમનામાં હાર્ટ વાલ્વની ગંભીર બીમારી થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. આ રિસર્ચ રિપોર્ટ પ્રસિદ્ધ મેડિકલ જર્નલ ‘જર્નલ ઓફ ધ અમેરિકન હાર્ટ એસોસિએશન’માં પ્રકાશિત થયો છે.
હૃદયમાં ચાર મુખ્ય વાલ્વ હોય છે, જે શરીરમાં લોહીના યોગ્ય પ્રવાહને નિયંત્રિત કરે છે. જ્યારે આ વાલ્વ યોગ્ય રીતે કામ નથી કરતા, ત્યારે તેને વાલ્વ્યુલર હાર્ટ ડિસીઝ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં હૃદય પર વધારાનું દબાણ પડે છે અને તે ધીમે ધીમે નબળું પડવા લાગે છે. ગંભીર કિસ્સાઓમાં દર્દીને સર્જરી કરાવવાની પણ જરૂર પડે છે.
યુકે બાયોબેંક સાથે જોડાયેલા આશરે 4.63 લાખ લોકો પર સતત 14 વર્ષ સુધી આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંશોધકોએ નોંધ્યું છે કે, એકલતા અનુભવતા લોકોમાં હાર્ટ વાલ્વની બીમારીનું જોખમ 19 ટકા વધુ હોય છે. જ્યારે ‘એઓર્ટિક વાલ્વ સ્ટેનોસિસ’ નું જોખમ 21 ટકા વધે છે. તેમજ ‘મિટ્રલ વાલ્વ રિગર્ગિટેશન’નું જોખમ 23 ટકા જેટલું જોવા મળ્યું છે.
રિસર્ચમાં એક રસપ્રદ વાત સામે આવી છે કે, માત્ર ‘એકલા રહેવું’એ સીધું કારણ નથી, પરંતુ ‘એકલતા અનુભવવી’એ હૃદય રોગ સાથે વધુ મજબૂત રીતે જોડાયેલું છે. જ્યારે વ્યક્તિ અંદરથી એકલતા અનુભવે છે, ત્યારે તે સામાજિક રીતે કપાઈ જાય છે અને તેની માનસિક સ્થિતિની સીધી અસર શરીરના ફિઝિયોલોજી પર પડે છે.
-
એકલતા અનુભવતા લોકોમાં કેટલીક એવી આદતો ઘર કરી જાય છે જે હૃદય માટે ઘાતક સાબિત થાય છે
અભ્યાસ મુજબ, એકલતા અનુભવતા લોકોમાં કેટલીક એવી આદતો ઘર કરી જાય છે જે હૃદય માટે ઘાતક સાબિત થાય છે, લોકો માનસિક તણાવ ઓછો કરવા લોકો વ્યસનનો સહારો લે છે. તેમજ એકલતાના કારણે વ્યક્તિ નિષ્ક્રિય બની જાય છે. આ ઉપરાંત ખરાબ ઊંઘ હૃદયના સ્વાસ્થ્યને સીધું નુકસાન પહોંચાડે છે.
નિષ્ણાતોના મતે, ડોક્ટરોએ હૃદયના દર્દીઓની સારવાર કરતી વખતે તેમની માનસિક સ્થિતિ અને સામાજિક જીવન વિશે પણ વાત કરવી જોઈએ. જો વ્યક્તિ સામાજિક રીતે સક્રિય બને અને પોતાની એકલતા દૂર કરે, તો હૃદય રોગની ગતિ ધીમી પાડી શકાય છે અને ઘણીવાર સર્જરીની જરૂરિયાતને પણ ટાળી શકાય છે. ખાસ કરીને વયોવૃદ્ધ લોકોમાં એકલતા અને હૃદય રોગનું જોખમ વધુ હોવાથી તેમની વિશેષ કાળજી લેવી અનિવાર્ય છે.


