HomeગુજરાતીટેકનોલોજીAIIMS નવી દિલ્હીની મોટી સફળતા: બ્રેસ્ટ કેન્સરની તપાસ માટે AI ટેકનોલોજી વિકસાવી

AIIMS નવી દિલ્હીની મોટી સફળતા: બ્રેસ્ટ કેન્સરની તપાસ માટે AI ટેકનોલોજી વિકસાવી

નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર 2026: સ્તન કેન્સરના નિદાન અને તપાસને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના માધ્યમથી વધુ સચોટ બનાવવા માટે એઈમ્સ, નવી દિલ્હી દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. એઇમ્સના નિષ્ણાતો દ્વારા વિકસાવવામાં આવેલી AI આધારિત ‘મેમોગ્રાફી ટેકનોલોજી’ને ટેકનિકલ ભાગીદાર ‘BPL ટેકનોલોજીસ લિમિટેડ’ને સત્તાવાર રીતે ટ્રાન્સફર કરવામાં આવી છે. આ ટેકનોલોજી મેમોગ્રાફી રિપોર્ટ અને ઈમેજના પૃથ્થકરણમાં રેડિયોલોજિસ્ટ્સને મદદરૂપ થશે.

એઇમ્સ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તાજેતરમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં એઈમ્સ નવી દિલ્હીના ડિરેક્ટર પ્રોફેસર નિકિલ ટંડન અને BPL ટેકનોલોજીસ લિમિટેડના સીએફઓ અજય જિંદાલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એઇમ્સના રિસર્ચ અને રેડિયોલોજી વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને તબીબી નિષ્ણાતો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

મેમોગ્રાફી એ સ્તન કેન્સરના પ્રારંભિક નિદાન માટે વપરાતી એક અત્યંત મહત્વપૂર્ણ ઈમેજિંગ ટેકનિક છે. આ તપાસ દરમિયાન લેવાયેલી તસવીરોનું બારીકાઈથી પરીક્ષણ કરીને રેડિયોલોજિસ્ટ્સ કેન્સરની સંભવિત અસાધારણતા કે ગાંઠને ઓળખે છે. નવી વિકસાવવામાં આવેલી આ AI આધારિત સિસ્ટમ ડોક્ટરોને આ જ પ્રક્રિયામાં વધુ ઝડપી અને સચોટ નિર્ણય લેવામાં મદદ કરશે.

  • ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં આશીર્વાદરૂપ

આ AI મોડેલ મેમોગ્રાફી ઈમેજને સમજવામાં અને તેનું વિશ્લેષણ કરવામાં રેડિયોલોજિસ્ટ્સને સપોર્ટ પૂરો પાડશે. ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં નિષ્ણાત રેડિયોલોજિસ્ટ્સ કે બ્રેસ્ટ ઈમેજિંગ સ્પેશિયાલિસ્ટની અછત છે, ત્યાં આ ટેકનોલોજી ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. જોકે, એઇમ્સે સ્પષ્ટ કર્યું છે કે આ AI મોડેલ ડોક્ટરોનો વિકલ્પ નથી, પરંતુ તે માત્ર રેડિયોલોજિસ્ટ્સના નિર્ણયોને વધુ ચોક્કસ બનાવવા માટેનો એક ટેકનિકલ સહયોગ છે.

એઈમ્સ અને BPL ટેકનોલોજીસ વચ્ચે થયેલા આ કરારને તબીબી સંશોધનને વ્યવહારિક સ્વાસ્થ્ય સેવાઓમાં બદલવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે. હવે ટેકનોલોજી કંપનીને સોંપાયા બાદ તેના આગળના વિકાસ, વેરિફિકેશન અને ક્લિનિકલ વપરાશ માટેના આગળના પગલાં ભરાશે.

એઈમ્સના ડિરેક્ટર પ્રોફેસર નિકિલ ટંડને જણાવ્યું હતું કે, “મેડિકલ સંસ્થાઓમાં થતા સંશોધનનો વાસ્તવિક લાભ સામાન્ય લોકો સુધી ત્યારે જ પહોંચી શકે છે જ્યારે તેને વ્યવહારિક અને વ્યાપક હેલ્થકેર ટેકનોલોજીમાં રૂપાંતરિત કરવામાં આવે.” તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ પહેલથી એઇમ્સમાં ભવિષ્યમાં પણ આવી વધુને વધુ નવીન ટેકનોલોજીના વિકાસનો માર્ગ પ્રશસ્ત થશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular