Homeગુજરાતીખોરાકરક્ષાબંધન પર ઘરે બનાવો પ્રોટીનથી ભરપૂર સ્વાદિષ્ટ હલવો, જાણો રેસીપી

રક્ષાબંધન પર ઘરે બનાવો પ્રોટીનથી ભરપૂર સ્વાદિષ્ટ હલવો, જાણો રેસીપી

રેસીપી, 26 ઓગસ્ટ 2026: Moong Dal Halwa Recipe રક્ષાબંધન ભાઇ બહેનનો તહેવાર છે. આ વખતે 28 ઓગસ્ટ, શુક્રવારે રક્ષાબંધનનો તહેવાર ઉજવાશે. રક્ષાબંધન પર બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધીને તેને મીઠાઈ ખવડાવે છે. આ પ્રસંગે બરફી, લાડુ અને અન્ય મીઠાઈઓ ખુબ ખાવામાં આવે છે. પરંતુ જો તમે કંઈક અલગ અને સ્વાદિષ્ટ બનાવવા માંગો છો, તો તમે મગની દાળનો હલવો બનાવી શકો છો. જે ઘરે જ સરળતાથી બનાવી શકાય છે. જેના માટે તમારે વધુ સામગ્રીની જરૂર રહેશે નહીં.

જો તમને ક્યારેય મીઠાઈ ખાવાનું મન થાય તો મગની દાળનો હલવો એક ઉત્તમ વિકલ્પ છે. તેમાં પ્રોટીન, ફાઇબર, આયર્ન અને કેલ્શિયમ જેવા આવશ્યક પોષક તત્વો હોય છે. મગ પાચનતંત્રને પણ સ્વસ્થ રાખી શકે છે. જ્યારે દેશી ઘી અને બદામથી બનાવવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ દિલને ખુશ કરે છે.

મગ દાળ હલવો બનાવવા માટે સામગ્રી

મગની દાળ : 200-250 ગ્રામ

દૂધ : 1.5 કપ

લીલી એલચી પાવડર : અડધી ચમચી

કેસર : 4 -5 તાંતણા

ડ્રાયફુટ્સના ટુકડા : 1 વાટકી

ખાંડ : સ્વાદ અનુસાર

ઘી : 2 – 3 ચમચી

મગની દાળનો હલવો બનાવવાની રીત

હલવો બનાવવા માટે સૌ પ્રથમ મગની દાળને ત્રણ થી ચાર કલાક સુધી પાણીમાં પલાળી રાખો. મગની દાળના લીલા ફોતરા અને વધારાનું પાણી અલગ કાઢી લો. પછી પાણી ઉમેર્યા વગર મિક્સર જારમાં બરછટ રીતે પીસી લો. સાથે જ બે ચમચી ગરમ દૂધમાં કેસર ઓગાળીને અલગ રાખો. ત્યારબાદ કાજુ, બદામ અને પિસ્તાને ઝીણી કાપી લો.

હવે એક કઢાઇમાં દેશી ઘી ગરમ કરો અને તેમાં મગની દાળની પેસ્ટ ઉમેરો. આ મિશ્રણને મધ્યમ તાપ પર શેકો. શેકતી વખતે સતત હલાવતા રહો, જેથી દાઝે નહીં. આ મિશ્રણ શરૂઆતમાં ચીકણું હોય છે અને હલાવવું થોડું મુશ્કેલ હોય છે, પરંતુ ધીમે ધીમે તે સુકાઈ જવા લાગે છે. તેને સતત હલાવતા રહો, જ્યાં સુધી તે દાણાદાર ન બને.

મગ દાળની પેસ્ટ દાણાદાર બને ત્યારે રંગ આછા સોનેરી બદામી થઈ જાય છે અને સરસ સુગંધ આવવા લાગે છે. હવે તેમા દોઢ કપ નવશેકું દૂધ અને એક કપ નવશેકું પાણી ઉમેરો. જ્યાં સુધી મિશ્રણ બધુ શોષી લે અને ઘી કિનારીથી અલગ થવા માંડે ત્યાં સુધી તેને સતત હલાવતા રહીને રાંધી લો.

હવે ગેસની આંચ ધીમી કરો અને જરૂર મુજબ ખાંડ મેળવી સારી રીતે મિક્સ કરી લો. મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો અને પછી એલચી પાવડર અને કેસરવાળું દૂધ ઉમેરો. લગભગ એક મિનિટ પછી ડ્રાયફુટ્સના ટુકડા ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો. હવે ગેસ બંધ કરો અને હલવાને ઠંડુ થવા દો. મગ દાળનો હલવો ઠંડો થયા બાદ વધુ સ્વાદિષ્ટ લાગે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular