Homeગુજરાતીગુજરાતશિષ્યવૃતિ સમયસર ન ચુકવાતા ગાંધીનગરમાં ABVPએ વિરોધ પ્રદર્શન કર્યું

શિષ્યવૃતિ સમયસર ન ચુકવાતા ગાંધીનગરમાં ABVPએ વિરોધ પ્રદર્શન કર્યું

ગાંધીનગર, 26 ઓગસ્ટ, 2026 :  ABVP staged a protest over the non-payment of scholarships on time રાજ્યમાં  SC, ST, SEBC, EWS તથા અન્ય પાત્ર ધરાવતા વિદ્યાર્થીઓને સમયસર સબસિડી ચુકવાતી ન હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે સબસિડીથી વંચિત વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ( એબીવીપી) ગાંધીનગર જિલ્લા એકમ દ્વારા મંગળવારે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને શિષ્યવૃત્તિના પ્રશ્ને સરકાર તથા તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાતની તમામ શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા SC, ST, SEBC, EWS તથા અન્ય પાત્ર ધરાવતા વિદ્યાર્થીઓની બાકી રહેલી શિષ્યવૃત્તિની રકમ તાત્કાલિક ચૂકવવા તેમજ પેન્ડિંગ અરજીઓનો સત્વરે નિકાલ કરવા અંગે ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.  રાજ્યમાં ગાંધીનગર ઉપરાંત અમદાવાદ સહિત શહેરોમાં એબીવીપી દ્વારા પ્રદર્શનો યોજાયા હતા.

ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનની બહાર, GH-4 ગાર્ડન નજીક એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયુ હતુ. ત્યારબાદ વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી તરફ આગળ વધ્યા હતા. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, શિષ્યવૃત્તિ ન મળવાને કારણે અનેક વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમયસર શિષ્યવૃત્તિની ચુકવણી કરવામાં આવે અને વંચિત વિદ્યાર્થીઓને તેમનો હક મળે તેવી માંગ સાથે ABVP દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું.

એબીવીપીએ એવી રજુઆત કરી હતી કે,   રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી મળતી રજૂઆતો અનુસાર, શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી MYSY, CMSS સહિતની યોજનાઓ ઉપરાંત આદિજાતિ વિભાગમાંથી મળતી પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ તથા સમાજ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓની રકમ સમયસર વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થતી નથી.ઘણા વિદ્યાર્થીઓની અરજીઓ લાંબા સમયથી વેરીફિકેશન, મંજૂરી કે પેમેન્ટની પ્રક્રિયામાં પેન્ડિંગ પડી રહી છે. આ ઉપરાંત, બેંક, DBT, આધાર કે NPCI મેપિંગ, ઈન્સ્ટિટ્યૂટ વેરીફિકેશન અથવા અન્ય ટેકનિકલ અને વહીવટી કારણોસર ચૂકવણી અટકેલી હોવાનું સામે આવ્યું છે. શિષ્યવૃત્તિ અટવાઈ જવાને કારણે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ ફી, હોસ્ટેલ ફી, પુસ્તકો, રહેવા-જમવા તથા અન્ય શૈક્ષણિક ખર્ચાઓ પહોંચી વળવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેનાથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર આર્થિક ભારણ વધી ગયું છે.

ABVP દ્વારા આવેદન આપી સરકાર શિષ્યવૃત્તિની રકમ તાત્કાલિક ધોરણે જમા કરાવે અને પેન્ડિંગ અરજીઓનો ઝડપી નિકાલ લાવે તેવી માગ કરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular