Homeગુજરાતીગુજરાતરાજકોટમાં ફરાળી પેટિસમાં મકાઈના લોટની ભેળસેળ પકડાતા 206 કિલો જથ્થો નાશ કર્યો

રાજકોટમાં ફરાળી પેટિસમાં મકાઈના લોટની ભેળસેળ પકડાતા 206 કિલો જથ્થો નાશ કર્યો

રાજકોટ, 26 ઓગસ્ટ, 2026 :  206 kg stock of *Farali* patties destroyed after adulteration with corn flour was detected. નકલી દૂધ, નકલી ઘી અને ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ સામે મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આરએમસીના ફુડ વિભાગના અધિકારીઓએ ફરાળી પેટિસમાં મકાઈના લોટની ભેળસેળનું રેકેટ પકડી પાડ્યું છે. રાજકોટમાં કેટલાક વેપારીઓ ફરાળના નામે લોકોના સ્વાસ્થ્ય અને ધર્મ બંને સાથે ચેડા કરતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આરએમસીના ફૂડ વિભાગે શહેરમાં ફરાળી પેટીસ અને ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતા એકમો પર સર્વેલન્સ ચેકિંગ હાથ ધરીને મોટી કાર્યવાહી કરી ફરાળી પેટીસના નામે ચાલતી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે.

આરએમસીના ફૂડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી  કુલ 45 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન અંદાજે 206 કિલો અખાદ્ય અને વાસી જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. તેમજ 5 પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ અને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવી છે અને કુલ રૂ.12,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. FSS એક્ટ હેઠળ 11 ફરાળી પેટીસ અને ફરાળી લોટના નમૂના પણ લેવામાં આવ્યા છે.

ફુડ વિભાગના અધિકારીઓની  તપાસ દરમિયાન સૌથી મોટી ભેળસેળ શહેરના ઓમ નગર, 150 ફૂટ રીંગ રોડ પર આવેલી જય સીયારામ ફરસાણમાંથી મળી આવી હતી. અહીં ફરાળી તરીકે મકાઈનો લોટ વાપરીને બનાવેલી 80 કિલો ફરાળી પેટીસ અને 15 કિલો મકાઈનો લોટ મળી કુલ 95 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને રૂ.3,000 દંડ ફટકારાયો હતો.

આ ઉપરાંત જલારામ ફરસાણ, આજી વસાહતમાંથી 19 કિલો મકાઈની પેટીસ અને 65 કિલો મકાઈના લોટનો નાશ કરી રૂ.2,000 દંડ વસૂલ કરાયો હતો. GJ-3 ફેન્સી ઢોસા & ચાઈનીઝ, વાવડીમાંથી 18 કિલો વાસી સબ્જી, નૂડલ્સ, ચીઝ, પનીરનો નાશ કરી રૂ.5,000 દંડ, સબરસ રેસ્ટોરન્ટમાંથી 9 કિલો એક્સપાયરી જથ્થાનો નાશ કરી રૂ.500 દંડ, બજરંગ વડાપાઉં અને શ્રીજી રેસ્ટોરન્ટ પાસેથી લાયસન્સ બાબતે અનુક્રમે રૂ.1,000 અને રૂ.500 દંડ વસૂલ કરાયો હતો.

આરએમસી દ્વારા કાલાવડ રોડ, જામનગર રોડ, ગોંડલ રોડ, રૈયા રોડ, ભક્તિનગર સર્કલ સહિતના 34થી વધુ એકમોમાં પણ સ્થળ તપાસ કરવામાં આવી હતી. તહેવારો દરમિયાન આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે તેમ તંત્રએ જણાવ્યું હતું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular