HomeગુજરાતીગુજરાતAMCના ફુડ વિભાગ દ્વારા મીઠાઈ બનાવતા 22 સ્થળો પર તપાસ, બે એકમ...

AMCના ફુડ વિભાગ દ્વારા મીઠાઈ બનાવતા 22 સ્થળો પર તપાસ, બે એકમ સીલ કરાયા

અમદાવાદ, 26 ઓગસ્ટ, 2026 :  AMC’s Food Department inspects 22 sweet-making establishments રાજ્યમાં ઘણા ફરસાણ અને મીઠાઈના વેપારીઓ વધુ નફાની લાલચે ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ કરતા હોય છે. ત્યારે ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ સામે એએમસીનો ફુડ વિભાગ સક્રિય બન્યો છે. અને ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ફુડના અધિકારીઓએ શહેરના જુદા જુદા વિસ્તારમાં 22 એકમો પર દરોડા પાડ્યા હતા. જેમાં બાપુનગરમાં એક માવાવાળાના એકમમાંથી કાજુ કતરીમાં ચાંદીને બદલે અન્ય ધાતુનો વરખ મળતા તેને સીલ કરાયું હતુ. આ ઉપરાંત વાડજગામમાં  પણ એક એકમ પર માવાવાળાનું FSSAI લાયસન્સ વગરનું અસ્વચ્છ ગોડાઉન પણ સીલ કરાયું હતું. ફુડના સેમ્પલ લેવામાં આવ્યા હતા.અને લેબોરેટરી રિપોર્ટ બાદ કડક કાર્યવાહી કરાશે.

શહેરમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો પહેલાં મીઠાઈમાં થતી ભેળસેળ રોકવા એએમસીના ફૂડ વિભાગે 22 એકમો પર દરોડા પાડ્યા હતા.  આ તપાસ દરમિયાન કાજુ કતરીના નમૂનામાં ચાંદીના વરખની જગ્યાએ અન્ય ધાતુનો વરખ હોવાનું સામે આવતાં તેના સપ્લાયર સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જ અન્ય એક એકમમાં FSSAI લાયસન્સ ન હોવા અને અસ્વચ્છતા જણાતાં તેને પણ સીલ કરી દેવાયું છે.

એએમસીના ફૂડ વિભાગની ટીમે રેપિડ ટેસ્ટિંગ કિટથી કાજુ કતરીના નમૂનાની સ્થળ પર પ્રાથમિક તપાસ કરી હતી. તેમાં ચાંદીના વરખની જગ્યાએ અન્ય ધાતુનો વરખ હોવાનું જણાતાં વધુ તપાસ હાથ ધરાઈ હતી. આ કાજુ કતરીનો જથ્થો બાપુનગરના  કનૈયાલાલ માવાવાળાના ત્યાંથી સપ્લાય થતો હોવાનું સામે આવતાં જાહેર આરોગ્યના હિતમાં તે એકમને સીલ કરવામાં આવ્યું છે.

 બીજી તરફ, વાડજગામ-દરિયાપુર વિસ્તારમાં આવેલા  બાલાજી માવાવાળાના ગોડાઉનમાં તપાસ દરમિયાન FSSAIનું લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ગોડાઉનમાં સ્વચ્છતાનો પણ ભારે અભાવ જોવા મળ્યો હતો. જેના પગલે ફૂડ વિભાગે આ ગોડાઉન સામે પણ સીલિંગની ત્વરિત કાર્યવાહી કરી હતી.

તહેવારો દરમિયાન મીઠાઈની માંગ વધતી હોવાથી AMC દ્વારા ચાંદીના વરખ, નોન-ફૂડ ગ્રેડ કલર, ખોયા-માવામાં સ્ટાર્ચ, ‘Pure Ghee’ના નામે વેચાતી મીઠાઈમાં વનસ્પતિ તેલ તથા કેસરની અસલિયતની સ્થળ પર ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પનીર અને ચીઝમાં પણ સ્ટાર્ચની ભેળસેળ અંગે પ્રાથમિક તપાસ ચાલી રહી છે.

 ફૂડ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 22 ખાદ્ય એકમોમાં રેપિડ ટેસ્ટ કિટથી તપાસ કરવામાં આવી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રાથમિક તપાસ છે. શંકાસ્પદ નમૂનાઓને અધિકૃત લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને તેના પરિણામના આધારે આગળની કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular