આંખોની નીચે ડાર્ક સર્કલ થવા એ આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આમાં આંખોની નીચેની ત્વચાનો રંગ આસપાસની ત્વચા કરતાં ઘેરો દેખાવા લાગે છે. આ સમસ્યા સાથે આંખો નીચે સોજો, પફિનેસ કે ત્વચા ધસી ગયેલી પણ દેખાઈ શકે છે. ઓછી ઊંઘ, થાક, તણાવ, વધુ સમય સ્ક્રીન સામે બેસવું, ઉંમર વધવી અને જિનેટિક્સ ઉપરાંત એલર્જી, આંખોને વારંવાર ચોળવી, તડકામાં વધુ રહેવું અને શરીરમાં પાણીની ઉણપ પણ ડાર્ક સર્કલનું કારણ બની શકે છે.
અમુક લોકોમાં આંખોની નીચેની ત્વચા પાતળી હોવાને કારણે કે આ ભાગમાં વધુ પિગમેંટ બનવાને કારણે આ સમસ્યા થાય છે. ડાર્ક સર્કલ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ ઉંમર વધવાની સાથે તેનું પ્રમાણ વધી શકે છે. જે લોકોના પરિવારમાં આ સમસ્યા રહી હોય તેમને તેનું જોખમ વધુ રહે છે. આવો જાણીએ કે તેનાથી બચવા શું કરવું અને ક્યારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
-
ડાર્ક સર્કલ ઘટાડવા માટે શું કરવું?
પૂરતી ઊંઘ લો: ક્લિવલેન્ડ ક્લિનિકના જણાવ્યા મુજબ, રોજ ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ લેવાનો પ્રયાસ કરો. ઊંઘ પૂરી થવાથી આંખોની નીચે થાક અને કાળાશની અસર ઓછી દેખાઈ શકે છે. સાથે જ, સ્ક્રીન ટાઈમ પણ ઓછો કરો.
ઠંડી સિકાઈ કરો: ઠંડી ચમચી અથવા ઠંડી પટ્ટીને થોડીવાર આંખો નીચે રાખવાથી ત્યાંની નસો સંકોચાય છે. આનાથી આંખોની આસપાસનો સોજો ઓછો કરવામાં અને ડાર્ક સર્કલ ઘટાડવામાં મદદ મળે છે.
સુતી વખતે માથું થોડું ઊંચું રાખો: સૂતી વખતે માથા નીચે એક-બે તકિયા રાખવાથી આંખોની નીચે રાત્રે પાણી જમા થતું અટકે છે. આનાથી સવારે થતી પફિનેસ અને ડાર્ક સર્કલ ઓછા દેખાય છે.
આંખો પર કાકડીના ટુકડા રાખો: કાકડીમાં પાણી અને વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે. આંખો પર કાકડીના ઠંડા ટુકડા રાખવાથી આસપાસનો સોજો ઘટે છે અને આંખો તાજગીભરી દેખાય છે.
આંખોને વારંવાર ચોળવાનું ટાળો: આંખોને વારંવાર ચોળવાથી નીચેની ત્વચામાં સોજો આવી શકે છે અને નાની નસોને નુકસાન થઈ શકે છે. તેથી એલર્જી કે ખંજવાળ આવે ત્યારે આંખો ચોળવાનું ટાળો.
-
ડાર્ક સર્કલ થાય ત્યારે ડોક્ટરનો સંપર્ક ક્યારે કરવો?
સામાન્ય રીતે ડાર્ક સર્કલ કોઈ ગંભીર બીમારીનો સંકેત નથી હોતા, પરંતુ જો કાળું વર્તુળ કે સોજો માત્ર એક જ આંખની નીચે દેખાય તો ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. જો ડાર્ક સર્કલ લાંબા સમય સુધી રહે અથવા ખૂબ વધારે સોજો હોય તો પણ તબીબી તપાસ કરાવવી જોઈએ. કોઈપણ પ્રકારની ક્રીમ કે દવા જાતે લગાવવાને બદલે ડોક્ટરની સલાહ લેવી હંમેશાં શ્રેષ્ઠ છે.


