1. Home
  2. ગુજરાતી
  3. મોરેશિયસ આપણી જન ઔષધિ પહેલમાં સામેલ થનારો પ્રથમ દેશ: PM મોદી
મોરેશિયસ આપણી જન ઔષધિ પહેલમાં સામેલ થનારો પ્રથમ દેશ: PM મોદી

મોરેશિયસ આપણી જન ઔષધિ પહેલમાં સામેલ થનારો પ્રથમ દેશ: PM મોદી

0
Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસનાં પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મોરેશિયસમાં અગાલેગા ટાપુ પર છ સામુદાયિક વિકાસલક્ષી પરિયોજનાઓની સાથે નવી એરસ્ટ્રીપ અને સેન્ટ જેમ્સ જેટીનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન ભારત અને મોરેશિયસ વચ્ચે મજબૂત અને દાયકાઓ જૂની વિકાસલક્ષી ભાગીદારીનો પુરાવો છે તથા તે મોરેશિયસ અને અગાલેગાની મુખ્ય ભૂમિ વચ્ચે શ્રેષ્ઠ કનેક્ટિવિટીની માગ પૂર્ણ કરશે, દરિયાઇ સુરક્ષાને મજબૂત કરશે અને સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. આ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન મહત્વપૂર્ણ છે કારણ કે તે 12 ફેબ્રુઆરી, 2024ના રોજ બંને નેતાઓ દ્વારા મોરેશિયસમાં યુપીઆઈ અને રૂપે કાર્ડ સેવાઓની તાજેતરમાં શરૂઆત કરવામાં આવી છે.

મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથે જણાવ્યું હતું કે, મોરેશિયસમાં અગાલેગા ટાપુ ખાતે છ સામુદાયિક વિકાસ પરિયોજનાઓની સાથે નવી એરસ્ટ્રીપ અને સેન્ટ જેમ્સ જેટ્ટીના સંયુક્ત ઉદઘાટન સાથે ભારત અને મોરેશિયસ આજે ઇતિહાસ રચી રહ્યા છે. આ કાર્યક્રમને બંને દેશો વચ્ચેની અનુકરણીય ભાગીદારીનું પ્રતીક ગણાવીને પ્રધાનમંત્રી જગન્નાથે મોરેશિયસ અને ભારતનાં સંબંધોને નવું સ્વરૂપ આપવા બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો તથા આજે ઉપસ્થિત રહેવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી જગન્નાથે જણાવ્યું હતું કે, “અગાલેગામાં નવી હવાઈ પટ્ટી અને જેટી સુવિધાની સ્થાપના એ વધુ એક મોરિશિયસ સ્વપ્નની પૂર્તિ છે.” તેમણે આ પ્રોજેક્ટને સંપૂર્ણપણે નાણાકીય સહાય કરવામાં ભારતનાં યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે ભારતમાં પદભાર સંભાળ્યા પછી આ ટાપુ રાષ્ટ્રને વિશેષ વિચારણા કરવા બદલ સરકાર અને મોરેશિયસની જનતા વતી પ્રધાનમંત્રી મોદીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે સમગ્ર વિશ્વમાં પ્રધાનમંત્રી મોદીનાં મજબૂત નેતૃત્વ અને મુત્સદ્દીગીરીની પ્રશંસા કરી હતી તથા ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રવાસી ભારતીયોએ પોતાને મૂલ્યો, જ્ઞાન અને સફળતાનાં વૈશ્વિક પાવરહાઉસ તરીકે સ્થાપિત કરી છે. તેમણે માહિતી આપી હતી કે, મોરેશિયસ ‘જન ઔષધિ યોજના’ અપનાવનાર પ્રથમ રાષ્ટ્ર બન્યું છે, જે ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઇસીસ બ્યૂરો ઓફ ઇન્ડિયા પાસેથી આશરે 250 ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓનું સોર્સિંગ કરવાની મંજૂરી આપે છે, જેથી મોરેશિયસનાં લોકોને મોટા પાયે લાભ થશે અને બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધારે વેગ મળશે. 

આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લાં 6 મહિનામાં મોરેશિયસનાં પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથ સાથે તેમની આ પાંચમી બેઠક છે, જે ભારત અને મોરેશિયસ વચ્ચે વાઇબ્રન્ટ, મજબૂત અને વિશિષ્ટ ભાગીદારીનો પુરાવો છે. તેમણે કહ્યું હતું કે, મોરેશિયસ ભારતની ‘પડોશી પ્રથમ નીતિ’નું મુખ્ય ભાગીદાર છે અને વિઝન સાગર હેઠળ વિશેષ ભાગીદાર છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વૈશ્વિક દક્ષિણનાં સભ્યો તરીકે આપણી પ્રાથમિકતાઓ સામાન્ય છે અને છેલ્લાં 10 વર્ષમાં બંને દેશો વચ્ચેનાં સંબંધોમાં અભૂતપૂર્વ ગતિ જોવા મળી છે અને પારસ્પરિક સહકારની નવી ઊંચાઈઓ હાંસલ થઈ છે.” જૂની ભાષા અને સાંસ્કૃતિક સંબંધોને સ્પર્શતા પ્રધાનમંત્રીએ યુપીઆઈ અને રૂપે કાર્ડને યાદ કર્યું હતું, જેણે સંબંધોને આધુનિક ડિજિટલ કનેક્ટિવિટી પ્રદાન કરી છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચેની રાજકીય ભાગીદારીમાં વિકાસલક્ષી ભાગીદારી પાયાનો આધારસ્તંભ રહી છે અને ભારતે જે વિકાસલક્ષી પ્રદાન કર્યું છે, તે મોરેશિયસની પ્રાથમિકતાઓ પર આધારિત છે, પછી તે ઇઇઝેડની સુરક્ષા હોય કે પછી સ્વાસ્થ્ય સુરક્ષા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતે હંમેશા મોરેશિયસની જરૂરિયાતોનું સન્માન કર્યું છે અને પ્રથમ પ્રતિસાદ આપનાર તરીકે કામ કર્યું છે.” પ્રધાનમંત્રીએ આ ટાપુ રાષ્ટ્રને ભારતનાં લાંબા ગાળાનાં સાથસહકાર પર પ્રકાશ પાડ્યો હતો, પછી ભલે તે કોવિડ રોગચાળો હોય કે ઓઇલનો ફેલાવો હોય. તેમણે કહ્યું હતું કે, ભારતનો મુખ્ય ઉદ્દેશ મોરેશિયસનાં લોકો માટે સકારાત્મક પરિવર્તન છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, છેલ્લાં 10 વર્ષમાં ભારતે મોરેશિયસનાં લોકોને 400 મિલિયન અમેરિકન ડોલરની સહાય સાથે 1,000 મિલિયન અમેરિકન ડોલરની ક્રેડિટ લાઇન લંબાવી છે. તેમણે નોંધ્યું હતું કે, મોરેશિયસમાં મેટ્રો રેલ લાઇન, સામુદાયિક વિકાસ પ્રોજેક્ટ, સામાજિક આવાસ, ઇએનટી હોસ્પિટલ, સિવિલ સર્વિસ કોલેજ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં વિકાસમાં પ્રદાન કરવા માટે ભારતનું સૌભાગ્ય છે.

પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, તેઓ વર્ષ 2015માં અગાલેગાનાં લોકોને આપેલું વચન પૂર્ણ કરી શક્યાં છે. “આજકાલ, ભારતમાં આને મોદી કી ગેરંટી કહેવામાં આવે છે. આજે સંયુક્તપણે ઉદઘાટન કરવામાં આવેલી આ સુવિધાઓથી જીવનની સરળતા વધશે.” તે મોરેશિયસના ઉત્તર અને દક્ષિણ ભાગો વચ્ચે જોડાણમાં સુધારો કરશે અને મુખ્ય ભૂમિ સાથે વહીવટી જોડાણમાં સુધારો કરશે. તેમણે જણાવ્યું હતું કે, તબીબી સ્થળાંતર અને શાળાના બાળકોના પરિવહનમાં સુધારો થશે.

હિંદ મહાસાગર ક્ષેત્રમાં પરંપરાગત અને બિન-પરંપરાગત પડકારો કે જે બંને અર્થવ્યવસ્થાઓને અસર કરે છે તેનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારત અને મોરેશિયસ આ પડકારોનો સામનો કરવા માટે દરિયાઇ સુરક્ષામાં કુદરતી ભાગીદારો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અમે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા, સમૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા સક્રિયપણે કામ કરી રહ્યાં છીએ. અમે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનની દેખરેખ, સંયુક્ત પેટ્રોલિંગ, હાઇડ્રોગ્રાફી અને માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત જેવા તમામ ક્ષેત્રોમાં સહકાર આપી રહ્યા છીએ.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે અગાલેગામાં એરસ્ટ્રીપ અને જેટીનું ઉદઘાટન બંને દેશો વચ્ચે સહકારને વધારે ગાઢ બનાવશે, ત્યારે મોરેશિયસની બ્લ્યુ ઇકોનોમીને પણ મજબૂત કરશે. મોરેશિયસમાં જન ઔષધિ કેન્દ્રો સ્થાપિત કરવાના પ્રધાનમંત્રી જગન્નાથના નિર્ણયની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સાથે જ મોરેશિયસ ભારતની જન ઔષધિ પહેલ સાથે જોડાનાર પ્રથમ દેશ બની ગયો છે, જે વધારે સારી ગુણવત્તાની મેડ-ઇન-ઇન્ડિયા જેનેરિક દવાઓ પ્રદાન કરીને મોરેશિયસનાં લોકોને લાભાન્વિત કરશે. 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code