Homeગુજરાતીટેકનોલોજીબાળકોની સુરક્ષા મુદ્દે મેટા ઝૂક્યું: CSAM અને ગેરકાયદેસર કન્ટેન્ટની માહિતી એજન્સીઓને આપશે

બાળકોની સુરક્ષા મુદ્દે મેટા ઝૂક્યું: CSAM અને ગેરકાયદેસર કન્ટેન્ટની માહિતી એજન્સીઓને આપશે

નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર 2026: ભારતમાં કાર્યરત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બાળકોની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સોશિયલ મીડિયા જાયન્ટ ‘મેટા’ એ બાળકોની સુરક્ષા અને બાળ યૌન શોષણ સંબંધિત કેસોની માહિતી દેશની કાયદા અમલીકરણ એજન્સીઓને સોંપવા માટે સમંતિ દર્શાવી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં કામ કરતા કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે બાળકોની ઓનલાઇન સુરક્ષા એ એક ‘મૂળભૂત સિદ્ધાંત’ છે અને તેમાં કોઈ પણ પ્રકારનું સમાધાન ચલાવી લેવામાં આવશે નહીં.

સરકારી વર્તુળો તરફથી સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે જે પ્લેટફોર્મ બાળકોની સુરક્ષા માટે સક્રિય પગલાં લેવામાં નિષ્ફળ જશે, તેમની સામે સરકાર સખત કાનૂની કાર્યવાહી કરશે. સગીરોને નુકસાન પહોંચાડતી સામગ્રી અને પ્રવૃત્તિઓથી બચાવવાની પ્રાથમિક જવાબદારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની જ છે. આ સિવાય સરકાર અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ્સ સાથે પણ સતત સંપર્કમાં છે, જેથી તેઓ આવી આપત્તિજનક સામગ્રીને જાતે ઓળખીને તાત્કાલિક હટાવવા માટે આધુનિક સિસ્ટમ તૈયાર કરે.

સૂત્રોના જણાવ્યા મુજબ, મેટા દ્વારા બાળ યૌન શોષણ સંબંધિત સામગ્રીની જાણકારી એજન્સીઓને આપવાની સહમતિ એ બાળકો માટે સુરક્ષિત ઓનલાઇન વાતાવરણ ઊભું કરવાની દિશામાં એક મહત્વનું પ્રથમ પગલું છે. જોકે, આ ક્ષેત્રે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. સરકાર તમામ પ્લેટફોર્મ્સ પર હાજર હાનિકારક કન્ટેન્ટ પર સતત નજર રાખી રહી છે.

  • CSAM અને ડીપફેક પર કડક મોનિટરિંગ

હાલના સમયમાં સોશિયલ મીડિયા પર વધી રહેલા ડીપફેક ટેક્નોલોજીના દુરુપયોગ અને ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ જેવી ગેરકાયદેસર સામગ્રી સામે સરકારે નિરીક્ષણ વધુ મજબૂત બનાવ્યું છે. આ અગાઉ પણ સરકારે આવી સામગ્રી સામે યોગ્ય પગલાં ન ભરવા બદલ મેટાને નોટિસ પાઠવી હતી. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે મેટાના વૈશ્વિક સ્તરના ઉચ્ચ અધિકારીઓને દિલ્હી સ્થિત મંત્રાલયમાં તલબ કર્યા હતા. આ બેઠક દરમિયાન સરકારે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે ભારતીય કાયદાઓ અને સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં. પ્લેટફોર્મ્સે માત્ર ફરિયાદો મળ્યા પછી જ નહીં, પરંતુ પોતાની મેળે આવી ગેરકાયદેસર સામગ્રી શોધીને તેને પ્લેટફોર્મ પરથી દૂર કરવાની સિસ્ટમ બનાવવી પડશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular